રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ, 27 મોત બાદ પણ આરોપીઓને હજુ સુધી સજા નહીં



AI Image
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ, 27 મોત બાદ પણ આરોપીઓને હજુ સુધી સજા નહીં



AI Image
રાજકોટ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર TRP ગેમઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. 25 મે, 2024ની એ કરુણ સાંજ આજે પણ મૃતકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ભૂલી શક્યા નથી. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કુલ 27 નિર્દોષ લોકોના જીવ ગયા હતા.
ગેમઝોનમાં મોજમસ્તી કરવા આવેલા બાળકો, યુવાનો અને પરિવારજનો અચાનક આગની ઝપેટમાં આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળ અને હોસ્પિટલોમાં એવા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા કે અનેક મૃતદેહોને પોટલાંમાં ભરીને લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાએ માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો હતો.
આ કેસમાં કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 2 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. જોકે અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી કોઈપણ આરોપીને સજા ફટકારવામાં આવી નથી. હાલમાં તમામ આરોપીઓ જામીન પર બહાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો અને મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ફરિયાદી પક્ષ દ્વારા વર્ષ 2024માં જ કેસની ડે-ટુ-ડે ટ્રાયલ ચલાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓ દ્વારા સમયસર વકીલ ન રાખવામાં આવતા ટ્રાયલ પ્રક્રિયામાં સતત વિલંબ થઈ રહ્યો છે. અત્યાર સુધી કેસમાં 5 ડોક્ટરોની જુબાની લેવામાં આવી છે, જ્યારે વધુ એક ડોક્ટરની જુબાની આગામી સમયમાં નોંધાશે.
ફરિયાદી પક્ષનો આક્ષેપ છે કે આરોપીઓ દ્વારા કેસ લાંબો ખેંચાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ન્યાય માટે રાહ જોતા પરિવારજનોમાં અસંતોષ અને આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી ચાર મોટી દુર્ઘટનાઓમાં રાજકોટનું TRP ગેમઝોન અગ્નિકાંડ સૌથી વધુ ચર્ચિત અને હચમચાવી મૂકે તેવી ઘટના તરીકે સામે આવ્યું હતું. આજે બે વર્ષ બાદ પણ પીડિત પરિવારોને ન્યાયની રાહ જોવી પડી રહી છે.




