રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ, સંવેદનશીલ બુથમાં વધારો



રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ, સંવેદનશીલ બુથમાં વધારો



રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુવિધાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ મનપામાં કુલ 72 બેઠકો માટે 1014 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે મનપા વિસ્તારમાં કુલ 8948 સ્ટાફ તૈનાત કરવામાં આવશે. મતદારોને સરળતા રહે તે માટે “બુથ લોકેટર” ઓનલાઇન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેમાં ક્યુઆર કોડ દ્વારા મતદાન મથકનું સ્થાન અને પરિવારના મતદારો અંગેની માહિતી મેળવી શકાશે.
આચારસંહિતાના ભંગના કુલ 9 ફરિયાદો નોંધાઈ છે, જેના પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર છાંયડા, પીવાનું પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે ચૂંટણી ફરજમાં રહેલા તમામ સ્ટાફની ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ મનપાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.




