પ્રહલાદ જોશીએ સંભાળ્યો શિક્ષણ મંત્રાલયનો હવાલો, પ્રથમ દિવસે જ વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી બેઠક


પ્રહલાદ જોશીએ સંભાળ્યો શિક્ષણ મંત્રાલયનો હવાલો, પ્રથમ દિવસે જ વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી બેઠક


કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અસરકારક અમલીકરણ અંગે દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
પૂર્વ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારવામાં આવ્યા બાદ વડાપ્રધાનની સલાહથી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. હવાલો સંભાળ્યા બાદ તેમણે તરત જ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.
પ્રહલાદ જોશી કેન્દ્ર સરકારના અનુભવી મંત્રીઓમાં સામેલ છે. તેઓ હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. અગાઉ તેઓ સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રાલય જેવા મહત્વપૂર્ણ વિભાગો પણ સંભાળી ચૂક્યા છે.
નવા શિક્ષણમંત્રી સામે દેશની પરીક્ષા વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અને લોકોનો વિશ્વાસ મજબૂત કરવાની મોટી જવાબદારી રહેશે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા, NEPના અમલીકરણ, શાળાકીય શિક્ષણની ગુણવત્તા, ઉચ્ચ શિક્ષણમાં સંશોધન, ડિજિટલ શિક્ષણ અને કૌશલ્ય આધારિત શિક્ષણને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ તેમના પર ખાસ નજર રહેશે. આવનારા દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે નવા નિર્ણયો અને સુધારાઓ અંગે સૌની નજર રહેશે.




