અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: દર્દીઓ માટે ‘રેનબસેરા’ તૈયાર



અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: દર્દીઓ માટે ‘રેનબસેરા’ તૈયાર



એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી દર્દીઓ જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અગાઉ હોસ્પિટલની નજીક પૂરતી રહેવાની સુવિધા ન હોવાને કારણે ઘણા પરિવારોએ મોંઘા હોટલોમાં રોકાવું પડતું હતું અથવા ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી.
આ હાલાકી દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે ₹૬૦ કરોડના ખર્ચે ૮૫૮ બેડ ક્ષમતા ધરાવતું આધુનિક ‘રેનબસેરા’ તૈયાર કરવામાં આવ્યું છે.
‘રેનબસેરા’ની વિશેષતાઓમાં ૮ માળ ધરાવતું ભવન, ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૮૦ લોકો માટેની વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું, ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ અને ૮ દુકાનો જેવી જરૂરી સુવિધાઓ સમાવિષ્ટ છે.
આ ઉપરાંત, અહીં સ્વચ્છ ડોરમેટરી, પૂરતા શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બેઝમેન્ટમાં ૫૮ ફોર-વ્હીલર અને ૯૧ ટુ-વ્હીલર માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે.
દર વર્ષે સिवિલ હોસ્પિટલમાં આશરે ૧ લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે. આ નવી સુવિધાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ મળશે. હોસ્પિટલના કોરિડોર અને ગેલેરીમાં થતી ભીડ ઘટવાથી સ્વચ્છતા જાળવવામાં પણ સરળતા થશે.
રાજ્ય સરકારે તૈયાર કરેલ આ ‘રેનબસેરા’ સેવા અને માનવીય અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે, જે દર્દીઓ અને તેમના પરિવાર માટે રાહતનો નવો સ્ટાન્ડર્ડ ઉભો કરશે.




