NDA સંસદીય દળની ‘મંગલ મિલન’ બેઠક આજે, ચોમાસુ સત્રની બાકીની રણનીતિ પર થશે ચર્ચા


NDA સંસદીય દળની ‘મંગલ મિલન’ બેઠક આજે, ચોમાસુ સત્રની બાકીની રણનીતિ પર થશે ચર્ચા


NDA સંસદીય દળની ‘મંગલ મિલન’ બેઠક મંગળવારે સવારે દિલ્હીમાં યોજાશે. સંસદના ચોમાસુ સત્રના બાકી રહેલા 10 દિવસ માટે સત્તાધારી ગઠબંધનની રણનીતિ નક્કી કરવા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના NDAના તમામ સાંસદોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ભાજપના સંસદીય કાર્યાલય તરફથી NDAના તમામ સાંસદોને મોકલવામાં આવેલા નોટમાં તેમને નિર્ધારિત સમયે કાર્યક્રમ સ્થળે પહોંચવા અપીલ કરવામાં આવી છે. બેઠક સવારે 9.30 વાગ્યે જી.એમ.સી. બાલયોગી ઓડિટોરિયમમાં શરૂ થવાની છે.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ સહિત NDAના અન્ય સાંસદો હાજર રહે તેવી શક્યતા છે.
‘મંગલ મિલન’ બેઠક NDA સંસદીય દળના સાપ્તાહિક રણનીતિ સત્રનું નવું સ્વરૂપ છે. તેનો મુખ્ય હેતુ ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચે વધુ સારો સંકલન અને રચનાત્મક ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે.
સંસદ સત્ર દરમિયાન ગૃહની કામગીરીનું સંચાલન, વિવિધ પક્ષો વચ્ચે સહમતી બનાવવી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા માટે સાંસદોની જવાબદારીઓ નક્કી કરવામાં પણ આ બેઠક મહત્વની ભૂમિકા ભજવે છે. શિવસેના, LJP, TDP, JDU સહિતના સહયોગી પક્ષો સાથે સંકલન વધારવા માટે પણ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે.




