શેલામાં સ્કાય સિટી ફ્લેટમાં ભીષણ આગ, 12 ફાયર ગાડીઓએ કાબૂ મેળવ્યો; જાનહાનિ ટળી



શેલામાં સ્કાય સિટી ફ્લેટમાં ભીષણ આગ, 12 ફાયર ગાડીઓએ કાબૂ મેળવ્યો; જાનહાનિ ટળી



અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલ સ્કાય સિટી ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્કાય સિટીના રિવેરા ઈલાઈટ બિલ્ડિંગના સી બ્લોકમાં આજે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતાં ચોથા સુધી પહોંચી ગઈ હતી, જ્યારે ઘેરા ધુમાડા 15મા માળ સુધી ફેલાયા હતા.
આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. કુલ 12 ફાયર ફાઈટર ગાડીઓ દ્વારા બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આગ એટલી વિકરાળ હતી કે ત્રીજા માળથી શરૂ થયેલી જ્વાળાઓ ચોથા માળ સુધી પહોંચી જતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સલામતીના પગલાં તરીકે ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગમાં રહેતા લોકોને તાત્કાલિક બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ઘરમાં રહેલી મોટાભાગની વસ્તુઓ બળી ને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી, જે રાહતની બાબત ગણાય છે.
પ્રાથમિક અનુમાન મુજબ આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.




