સામૂહિક આપઘાત કે હત્યા? ચાંદખેડા કેસમાં નવા ખુલાસા



સામૂહિક આપઘાત કે હત્યા? ચાંદખેડા કેસમાં નવા ખુલાસા



ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના મોતના મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે કેસ વધુ ગૂંચવણભર્યો બન્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ઘરકંકાસ અથવા બેરોજગારીને કારણે સામૂહિક આપઘાત થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, કેટલાક સૂત્રો મુજબ પિતા વિમલ પ્રજાપતિ દ્વારા હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પણ શંકા ઉઠી રહી છે.
પોલીસ દ્વારા આ કેસમાં વિવિધ એન્ગલથી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આર્થિક સંકળામણ, પરિવારિક વિવાદ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ સામૂહિક આપઘાતની દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. કેસના સત્ય સુધી પહોંચવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) તરફથી FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે મહત્વપૂર્ણ પુરાવા પૂરાં પાડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમલ પ્રજાપતિ અને તેના પિતા ગૌરીશંકર વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી, જે પરિવારિક તણાવ તરફ ઈશારો કરે છે. પોલીસે એ પણ શંકા વ્યક્ત કરી છે કે ઘઉંમાં નાખવામાં આવતી ગોળીનો ઉપયોગ થયો હોઈ શકે છે. લોહીના પ્રાથમિક રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડનું પ્રમાણ મળતા ઝેર આપવાના એન્ગલને પણ ગંભીરતાથી તપાસવામાં આવી રહ્યો છે.
વધુમાં, પતિ-પત્ની વિમલ અને ભાવના દ્વારા વારંવાર નિવેદનો બદલાતા હોવાને કારણે કેસ વધુ જટિલ બન્યો છે. હાલ, વિમલને હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવે તેવી શક્યતા છે, ત્યારબાદ પોલીસ તેની વિગતવાર પૂછપરછ કરશે.
બે બાળકીના મોત પાછળ ખીરું કારણભૂત છે કે અન્ય કોઈ પરિબળ જવાબદાર છે, તે જાણવા માટે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને સત્ય બહાર આવવાની રાહ જોવાઈ રહી છે.




