કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નામ પૂછીને બે હિંદુ શ્રમિકોને ગોળી મારી, બંનેનાં મોત

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીર સ્થિત કુલગામ જિલ્લાના કેલામ ગામમાં શુક્રવારે મોડી સાંજે આતંકવાદીઓએ ઈંટ-ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે પ્રવાસી હિંદુ શ્રમિકોને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. શરૂઆતમાં એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા શ્રમિકનું પણ શનિવારે સારવાર દરમિયાન અવસાન થતાં મૃત્યુઆંક બે થયો છે.
Growth Now News
Growth Now News
કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નામ પૂછીને બે હિંદુ શ્રમિકોને ગોળી મારી, બંનેનાં મોતકાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નામ પૂછીને બે હિંદુ શ્રમિકોને ગોળી મારી, બંનેનાં મોત

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીર સ્થિત કુલગામ જિલ્લાના કેલામ ગામમાં શુક્રવારે મોડી સાંજે આતંકવાદીઓએ ઈંટ-ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે પ્રવાસી હિંદુ શ્રમિકોને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. શરૂઆતમાં એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા શ્રમિકનું પણ શનિવારે સારવાર દરમિયાન અવસાન થતાં મૃત્યુઆંક બે થયો છે.

મૃતકોની ઓળખ 24 વર્ષીય દીપક રાત્રે અને 28 વર્ષીય ભૂપેન્દ્ર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ અનુસાર આતંકવાદીઓએ પહેલા શ્રમિકોના નામ પૂછ્યા હતા અને ત્યારબાદ હિંદુ હોવાનું જાણી બંનેને જૂથમાંથી અલગ કરીને નજીકથી ગોળી મારી હતી. ઘટનાસ્થળે અન્ય પ્રવાસી શ્રમિકો પણ હાજર હતા, પરંતુ નિશાન માત્ર આ બંનેને બનાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ હુમલો રાત્રે લગભગ 8:30 વાગ્યે થયો હતો અને દરમિયાન 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકવાદીઓએ અગાઉથી રેકી કરીને આ વિસ્તાર અને શ્રમિકોને નિશાન બનાવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વાહનોની સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એક સ્થાનિક અને એક વિદેશી આતંકવાદીની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર રીતે હજુ તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અનંતનાગમાં અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યૂટી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી પર પણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ શહીદ થયા હતા. કુલગામની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને તપાસ એજન્સીઓ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.