લંડન પહોંચાડવાના બહાને અપહરણ! ગુજરાતી પરિવાર આફ્રિકામાં ફસાયો



AI Image
લંડન પહોંચાડવાના બહાને અપહરણ! ગુજરાતી પરિવાર આફ્રિકામાં ફસાયો



AI Image
અમદાવાદ: ગેરકાયદેસર રીતે લંડન જવાની લાલચ અમદાવાદના એક પરિવાર માટે દુઃસ્વપ્ન સાબિત થઈ છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતો ચાર સભ્યોનો પરિવાર આફ્રિકાના એક દેશમાં બંધક બનાવાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપહરણકારોએ પરિવારને છોડાવવા માટે રૂ.1.20 કરોડની ખંડણી માગતા પરિવારજનોમાં હાહાકાર મચી ગયો છે. હાલમાં અમદાવાદમાં રહેલી પરિવારની દીકરી સરકાર અને પોલીસ સમક્ષ પોતાના પરિવારને સુરક્ષિત પરત લાવવાની આજીજી કરી રહી છે.

મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં રહેતા દંપતી અને તેમના બે દીકરાઓએ લંડન પહોંચવા માટે એક ટ્રાવેલ એજન્ટ સાથે પ્રતિ વ્યક્તિ રૂ.25 લાખમાં સોદો કર્યો હતો. પરિવાર 20 એપ્રિલે અમદાવાદથી દિલ્હી ગયો હતો, જ્યાં ત્રણ દિવસ રોકાયા બાદ તેઓ શ્રીલંકા અને પછી દુબઈ પહોંચ્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ દુબઈ પહોંચ્યા બાદ એજન્ટે ફ્લાઈટમાં વારંવાર ફેરફાર શરૂ કર્યા અને અલગ-અલગ એરલાઈન્સ મારફતે મુસાફરી કરાવી શંકાસ્પદ હરકતો શરૂ કરી હતી.
પરિવારની દીકરી શ્રેયાના જણાવ્યા મુજબ છેલ્લે તેમની માતા અને ભાઈ સાથે વાત થઈ હતી, જેમાં તેમણે ઇથોપિયા જવાની તૈયારી હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ અચાનક પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો. થોડા સમય બાદ ‘ખાન બાબા’ નામથી ઓળખ આપનાર એક વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન કરીને પરિવાર કેન્યાના જંગલ વિસ્તારમાં બંધક હોવાનો દાવો કર્યો હતો અને છોડાવવા માટે રૂ.1.20 કરોડની ખંડણી માગી હતી.
પરિવારને ડરાવવા માટે અપહરણકારોએ લોહીથી લથબથ હાલતમાં મોટા ભાઈનો ફોટો પણ મોકલ્યો હતો. દીકરી શ્રેયાએ આ ફોટો પોલીસને સોંપ્યો છે, પરંતુ ભાઈ જીવિત છે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી છે. અપહરણકારોએ પોલીસને પણ પડકાર ફેંકતા અગાઉ પણ આવી રીતે કરોડોની ખંડણી ઉઘરાવ્યાનો દાવો કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાયો છે. સ્થાનિક ધારાસભ્યના હસ્તક્ષેપ બાદ પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વલસાડના ‘મિસ્ત્રી’ નામના ટ્રાવેલ એજન્ટની સંડોવણી સામે આવી છે. જોકે પરિવારજનોએ જણાવ્યું હતું કે પરિવાર સુરક્ષિત રીતે લંડન પહોંચે ત્યારબાદ જ પૈસા આપવાનો સોદો થયો હતો.
હાલ પોલીસ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટ સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે. બીજી તરફ ગોમતીપુરમાં પરિવારના પડોશીઓ પણ આ ઘટનાથી ચોંકી ઉઠ્યા છે, કારણ કે પરિવાર વિદેશ જવાની તૈયારી અંગે સંપૂર્ણ ગુપ્તતા રાખી રહ્યો હતો. પરિવાર ચલાવતી કરિયાણાની દુકાન હાલ બંધ છે અને સમગ્ર વિસ્તાર ચિંતામાં ગરકાવ થયો છે.




