Get News Alerts

Never miss breaking news updates.

કાલુપુર આંગડિયા કાંડ: 80 લાખના દાગીના લઈને કર્મચારી ફરાર, બે સાગરિત ઝડપાયા

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર દસ દિવસ પહેલા નોકરીએ લાગેલા એક કર્મચારી દ્વારા 80 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને કિંમતી પાર્સલ લઈને ફરાર થઈ જવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આ ઘટનાએ શહેરના વેપાર વર્તુળમાં ચકચાર મચાવી દીધી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 May 2026 03:07 PM IST
કાલુપુર આંગડિયા કાંડ: 80 લાખના દાગીના લઈને કર્મચારી ફરાર, બે સાગરિત ઝડપાયાકાલુપુર આંગડિયા કાંડ: 80 લાખના દાગીના લઈને કર્મચારી ફરાર, બે સાગરિત ઝડપાયા

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર દસ દિવસ પહેલા નોકરીએ લાગેલા એક કર્મચારી દ્વારા અંદાજે 80 લાખ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીના અને કિંમતી પાર્સલ લઈને ફરાર થઈ જવામાં આવ્યું હોવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, કાલુપુર સ્થિત પ્રવિણકુમાર એન્ડ કંપનીમાં જીગર દશરથભાઈ વિહોલ નામના યુવકને પાર્સલ ડિલિવરી માટે નોકરીએ રાખવામાં આવ્યો હતો. 6 મેના રોજ તેને ભુજ ઓફિસ માટે સોના-ચાંદીના દાગીના, ડાયમંડ અને અન્ય કિંમતી પાર્સલ સોંપવામાં આવ્યા હતા.

પરંતુ બીજા જ દિવસે તે ભુજ ઓફિસે પહોંચ્યો નહોતો અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતા શંકા ઊભી થઈ હતી. બાદમાં તપાસમાં સામે આવ્યું કે જીગર ભુજ જવાને બદલે સુરેન્દ્રનગર ઉતરી ગયો હતો, જ્યાં તેણે પોતાના બે સાગરિતો અજય ઠાકોર અને દીપક રાવળને માલસામાન સોંપી દીધો હતો અને તેને વેચવાની જવાબદારી આપી પોતે ફરાર થઈ ગયો હતો.

પોલીસ તપાસ દરમિયાન વધુ ખુલાસો થયો કે આરોપીઓ બાદમાં અમદાવાદના માણેકચોક વિસ્તારમાં દાગીના વેચવા માટે આવ્યા હતા. મળેલી બાતમીના આધારે LCBએ અજય ઠાકોર અને દીપક રાવળને ઝડપી પાડ્યા છે.

પૂછપરછમાં સમગ્ર કાવતરાનો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ વિપુલ ઠાકોરે જીગરને આંગડિયા પેઢીમાં નોકરીએ મુકાવ્યો હતો અને તે આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ હોઈ શકે છે. વિપુલ સામે અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

હાલ પોલીસે મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને ફરાર આરોપી જીગર વિહોલ તથા વિપુલ ઠાકોરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.