અમદાવાદમાં વે-બ્રિજમાં ચેડાં કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપી પડ્યા



અમદાવાદમાં વે-બ્રિજમાં ચેડાં કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપી પડ્યા



અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના વટવા GIDC સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વે-બ્રિજ સાથે ચેડાં કરીને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે આ કેસમાં સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ છેલ્લા ચાર વર્ષથી ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં સક્રિય હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ અને માનવીય સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ કંપનીઓના સ્ક્રેપ યાર્ડમાં ટેન્ડર અને બોલી પ્રક્રિયા દ્વારા સ્ક્રેપ ખરીદતા હતા. ત્યારબાદ તેઓ વે-બ્રિજ મશીનોમાં ખાસ પ્રકારના “ચાઇનીઝ” ઇલેક્ટ્રોનિક ચિપ્સ લગાવી વજનમાં ગડબડ કરતા હતા.
પોલીસ મુજબ, વે-બ્રિજ સ્ટાફને આશરે ₹10,000 આપીને આ ચિપ્સ લગાવવામાં આવતી હતી. રિમોટ કંટ્રોલની મદદથી ટ્રકના વજનમાં 1 થી 14 ટન સુધી ઘટાડો દર્શાવવામાં આવતો હતો, જેના કારણે ખોટા વજનના રસીદો બનતા હતા.
આ રીતે ઓછું વજન દર્શાવી ગેંગ સ્ક્રેપ ઓછી કિંમતે ખરીદી અને બજારભાવમાં વેચીને મોટો ગેરકાયદેસર નફો કમાતી હતી.
વટવા GIDC ફેઝ-3 વિસ્તારમાં આરોપીઓ સાધનો સાથે ભેગા થયાની માહિતી મળતા પોલીસે દરોડો પાડી સાત લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં હેમંતકુમાર રાવલ, સંકેત રાવલ, વિજય ઠાકોર, મનીષ રબારી, વિનોદ પટણી, મુકેશ પટણી અને સુનિલ પટણીનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસે 4 માઇક્રોચિપ્સ, 13 રિમોટ, 12 મોબાઇલ ફોન અને એક કાર જપ્ત કરી હતી, જેની કુલ કિંમત અંદાજે ₹19 લાખથી વધુ છે. આ ઉપરાંત રાજનિશ કાશ્યમ, ચિરાગ ગોસ્વામી, સુનિલ બોડિસ, વિનોદ ચામ્પો, અશોક ગુગો અને સંજય પટણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ સમગ્ર રેકેટનો વધુ પર્દાફાશ કરવા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




