Indonesia Earthquake : ઇન્ડોનેશિયા ધ્રૂજ્યું, 7.7ના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી


Indonesia Earthquake
Indonesia Earthquake : ઇન્ડોનેશિયા ધ્રૂજ્યું, 7.7ના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી


Indonesia Earthquake
Indonesia Earthquake : શનિવારે સવારે આશરે 5:58 વાગ્યે ફ્લોરેસ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટર નીચે હોવાનું જણાવાયું છે. તેનું કેન્દ્ર પૂર્વ નુસા તેંગારા પ્રાંતના એન્ડે શહેરથી આશરે 68 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં હોવાનું સામે આવ્યું છે. ભૂકંપ સમુદ્રની નીચે અને ઓછી ઊંડાઈએ આવ્યો હોવાથી સુનામીની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને દરિયાકિનારા અને નદીના કાંઠાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
દરિયાની નીચે ભૂકંપથી ખળભળાટ
અધિકારીઓએ લોકોને સાવચેતીના ભાગરૂપે ઊંચાઈવાળા સુરક્ષિત વિસ્તારોમાં જવાની સલાહ આપી છે. દરિયાની સપાટીમાં કોઈ અસામાન્ય ફેરફાર થાય છે કે નહીં તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજાંની સ્થિતિ અને ભરતીના માપદંડો પર અધિકારીઓ નજર રાખી રહ્યા છે. હાલ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. જોકે, શક્તિશાળી અને છીછરા ભૂકંપને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતી વધારવામાં આવી છે. ઇન્ડોનેશિયા વિશ્વના સૌથી વધુ ભૂકંપપ્રવણ દેશોમાંનું એક છે. દેશ પેસિફિક બેસિનના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારમાં અનેક સક્રિય જ્વાળામુખી અને ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે વારંવાર ભૂકંપ અને જ્વાળામુખીની ઘટનાઓ જોવા મળે છે.
ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી
ઇન્ડોનેશિયા 17,000થી વધુ ટાપુઓ ધરાવતો વિશાળ દેશ છે અને તેની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં ભૂકંપનું જોખમ સતત રહે છે. ફ્લોરેસ વિસ્તાર પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ તંત્રની નજર હવે દરિયાઈ મોજાંની સ્થિતિ પર કેન્દ્રિત છે. હાલ લોકોને ગભરાવાની જગ્યાએ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. સુનામીના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.




