બ્રસેલ્સમાં એસ. જયશંકરે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ સાથે કરી મુલાકાત, ભારત-ઈયુ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ચર્ચા


બ્રસેલ્સમાં એસ. જયશંકરે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ સાથે કરી મુલાકાત, ભારત-ઈયુ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ચર્ચા


ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે મુલાકાત કરી અને ભારત-યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. બંને નેતાઓએ વેપાર, ટેક્નોલોજી, નવીનતા અને વ્યૂહાત્મક સહકારને વધુ ગતિ આપવા પર ભાર મૂક્યો.
એસ. જયશંકર 14થી 15 જુલાઈ દરમિયાન બેલ્જિયમના સત્તાવાર પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભારત-ઈયુ ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (ટીટીસી)ની ત્રીજી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ તેમજ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કે. સૂદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત બાદ એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ તેમણે એન્ટોનિયો કોસ્ટા સુધી પહોંચાડી હતી. તેમણે જણાવ્યું કે આ વર્ષની ઐતિહાસિક ભારત-ઈયુ શિખર બેઠક બાદ દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને વેપાર તથા ટેક્નોલોજી ક્ષેત્રે સહકારને નવી દિશા મળી રહી છે.
આ પહેલા જયશંકરે યુરોપિયન યુનિયનના વિદેશ અને સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ તથા યુરોપિયન કમિશનની ઉપાધ્યક્ષ કાજા કાલાસ સાથે પણ બેઠક યોજી હતી. બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની સ્થિતિ, સુરક્ષિત સમુદ્રી વેપાર, વૈશ્વિક સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો અને ભારત-ઈયુ વ્યૂહાત્મક સહકારને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ચર્ચા કરી. કાજા કાલાસે જણાવ્યું કે વેપાર, ટેક્નોલોજી, સુરક્ષા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત અને ઈયુ વચ્ચેનો સહકાર સતત ગાઢ બની રહ્યો છે તેમજ હિંદ-પ્રશાંત વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા બંને પક્ષોએ સંયુક્ત પ્રયાસો વધુ મજબૂત બનાવવા જોઈએ.




