પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ: હર્ષ સંઘવીએ કરી સુવિધાઓનો પ્રારંભ



પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ: હર્ષ સંઘવીએ કરી સુવિધાઓનો પ્રારંભ



પાટણ જિલ્લામાં આજે આધુનિક બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવી વરદહસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ નિર્મિત આ બસપોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ રિબન કાપી બસપોર્ટનું ઉદ્ઘાટન કર્યું અને પાટણ જિલ્લાને ત્રણ નવીન એસી બસોની ભેટ આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ બસપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્વાંગી વિકાસના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. રાજ્યના દરેક ખૂણે આધુનિક સુવિધાઓ પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે.આધુનિક સુવિધાઓથી સજ્જ બસપોર્ટમાંથી દરરોજ અંદાજે 850 બસોના આવાગમન સાથે 20 હજારથી વધુ મુસાફરોને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર 2027 સુધી રોજના 30 લાખ મુસાફરોને એસ.ટી. સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર લઈને આગળ વધી રહી છે.
લોકાર્પણ બાદ હર્ષ સંઘવી કાલીકા માતાજી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે નવું બસપોર્ટ માત્ર ઈમારત નહીં, પરંતુ પાટણના વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે. આશરે 15,974 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ બસપોર્ટ લગભગ ₹17 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 31મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વવિખ્યાત Rani ki Vav ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ પણ કરવામાં આવશે, જે પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




