મોદી આજે ઓસ્ટ્રેલિયા પ્રવાસે, વાર્ષિક લીડર્સ સમિટથી ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મળશે નવી ગતિ



મોદી આજે ઓસ્ટ્રેલિયા પ્રવાસે, વાર્ષિક લીડર્સ સમિટથી ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મળશે નવી ગતિ



વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝના આમંત્રણ પર યોજાનારી વાર્ષિક લીડર્સ સમિટ દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership)ને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાન મોદી 8થી 10 જુલાઈ દરમિયાન મેલબોર્નમાં વિવિધ ઉચ્ચસ્તરીય કાર્યક્રમોમાં ભાગ લેશે.
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે તેમજ ગવર્નર-જનરલ સેમ મોસ્ટિન સાથે પણ મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ટેક્નોલોજી, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
મોદી ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓઝ ફોરમમાં ભાગ લઈને બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધશે. ઉપરાંત, મેલબોર્નમાં ભારતીય સમુદાયના વિશાળ કાર્યક્રમને પણ સંબોધિત કરશે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો હાજરી આપે તેવી શક્યતા છે.
પ્રવાસ પહેલાં વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે ભારતને ઓસ્ટ્રેલિયાનું મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓસ્ટ્રેલિયા માટે અત્યંત મહત્વ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો સહકાર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
દરમિયાન, મેલબોર્નમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે વૈદિક હવનનું આયોજન કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર નાગેશ સિંહે જણાવ્યું કે છેલ્લા દાયકામાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને વડાપ્રધાન મોદીની દસ વર્ષમાં ત્રીજી ઓસ્ટ્રેલિયા મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની વધતી ગાઢતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યૂહાત્મક સહયોગ સતત વિસ્તરી રહ્યો છે.




