સુરતમાં આઉટર રિંગ રોડ પર ભયાનક અકસ્માત: સ્કોર્પિયોની ટક્કરે એક મહિલાનું મોત, બે ઈજાગ્રસ્ત



સુરતમાં આઉટર રિંગ રોડ પર ભયાનક અકસ્માત: સ્કોર્પિયોની ટક્કરે એક મહિલાનું મોત, બે ઈજાગ્રસ્ત



સુરત: સુરત શહેરમાં ફરી એકવાર બેફામ વાહનચાલનનો કહેર સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા આઉટર રિંગ રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે, જ્યારે બે અન્ય મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, ત્રણ મહિલાઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી તેજ ગતિએ આવી રહેલી સ્કોર્પિયો કારએ તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક મહિલાને ગંભીર ઈજાઓ થતા તેણીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અન્ય બે મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમનું સારવાર ચાલી રહી છે.
અકસ્માત બાદ સ્કોર્પિયો કારનો ચાલક વાહન પરનો કાબૂ ગુમાવી બેસતા ગાડી પલટી મારી ગઈ હતી. અકસ્માતની અસરથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક 19 વર્ષીય રોશન માલાવીયા હતો, જે બેફામ અને અતિ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. બનાવ અંગે જાણ થતાં ઉતરાણ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર ચાલકને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વધતા અકસ્માતોના બનાવોને લઈને ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના કડક અમલની જરૂરિયાત સામે આવી છે.




