આસારામ આશ્રમ જમીન કેસમાં હાઇકોર્ટનો મોટો ચુકાદો, 50 હજાર ચો.મી. જમીન સરકારને પરત



ફાઈલ ફોટો
આસારામ આશ્રમ જમીન કેસમાં હાઇકોર્ટનો મોટો ચુકાદો, 50 હજાર ચો.મી. જમીન સરકારને પરત



ફાઈલ ફોટો
અમદાવાદ : અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ જમીન કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય લડતનો અંત આવી ગયો છે. આશ્રમ ટ્રસ્ટ દ્વારા સિંગલ જજના આદેશને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે, જેના કારણે 50 હજાર ચોરસ મીટરથી વધુ જમીન હવે રાજ્ય સરકારને પરત મળશે.
હાઇકોર્ટે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આશ્રમ ટ્રસ્ટ દ્વારા વારંવાર નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. કોર્ટએ આવી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો અને આશ્રમ તરફથી કરવામાં આવેલા તમામ દાવાઓ નામંજૂર કર્યા છે.
સરકાર તરફથી દલીલ કરતા વકીલે જણાવ્યું હતું કે મોટેરા વિસ્તારમાં આવેલી આ જમીન જાહેર હિત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. કોર્ટે સરકારની દલીલોને માન્ય રાખીને સરકારના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
આ નિર્ણય બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો માર્ગ સંપૂર્ણ રીતે સાફ થયો છે. સરકાર હવે આ જમીન પર કબજો મેળવીને સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીમાં છે.
ચુકાદા બાદ આશ્રમની જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા પણ ઝડપી બની શકે છે. રાજ્ય સરકાર આ વિસ્તારમાં આધુનિક સ્ટેડિયમ અને અન્ય સ્પોર્ટ્સ સુવિધાઓ ઉભી કરવા માટે તૈયારી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ધાર્મિક હેતુ માટે આશ્રમને આશરે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. જોકે, સરકારે કોર્ટમાં પુરાવા રજૂ કરીને દર્શાવ્યું કે આશ્રમે શરતોનો ભંગ કરીને જમીનનો કબજો વધારીને લગભગ 50,000 ચોરસ મીટર સુધી લઈ ગયો હતો.
આ કેસ દરમિયાન કોર્ટમાં દાયકાઓ જૂના રેકોર્ડ્સ સાથે સાથે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થયો હતો. સરકારી તંત્ર દ્વારા GPS આધારિત સેટેલાઇટ માપણી રજૂ કરવામાં આવી હતી, જેના આધારે જમીન પર થયેલા દબાણને ચોક્કસ રીતે સાબિત કરવામાં આવ્યું હતું.
હાઇકોર્ટના આ નિર્ણયથી મોટેરા વિસ્તારને ભવિષ્યમાં એક મોટા ‘સ્પોર્ટ્સ હબ’ તરીકે વિકસાવવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે.




