ગુરુ પૂર્ણિમાએ સીએમ યોગી આદિત્યનાથે મહાયોગી ગોરખનાથનું વિશિષ્ટ પૂજન કર્યું


ગુરુ પૂર્ણિમાએ સીએમ યોગી આદિત્યનાથે મહાયોગી ગોરખનાથનું વિશિષ્ટ પૂજન કર્યું


ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર બુધવારે સવારે ગોરક્ષપીઠાધીશ્વર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં નાથપંથની પરંપરા મુજબ મહાયોગી ગુરુ ગોરખનાથનું વિશિષ્ટ પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાના ગુરુ બ્રહ્મલીન મહંત અવેદ્યનાથ, દાદાગુરુ બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથ, યોગીરાજ બાબા ગંભીરનાથ સહિત નાથપંથના તમામ ગુરુજનોની પણ વિધિ-વિધાનપૂર્વક પૂજા કરી હતી.
ગોરક્ષપીઠાધીશ્વરે ભગવાન ગોરખનાથ અને અન્ય ગુરુજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી લોકકલ્યાણના માર્ગે માર્ગદર્શન આપવા બદલ ભાવપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગોરખનાથ મંદિરમાં વહેલી સવારથી જ ગુરુ પૂર્ણિમાના વિશેષ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રારંભ થયો હતો, જે પરંપરાગત સામૂહિક આરતી સાથે પૂર્ણ થયો હતો.
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોગી આદિત્યનાથે સૌપ્રથમ નાથપંથના આદિગુરુ ભગવાન ગોરખનાથના દરબારમાં હાજરી આપી વિશિષ્ટ પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે મંદિર પરિસરમાં આવેલા વિવિધ દેવ-વિગ્રહોના દર્શન અને પૂજન કર્યા હતા.
આ પછી તેઓ યોગીરાજ બાબા ગંભીરનાથ, દાદાગુરુ મહંત દિગ્વિજયનાથ અને ગુરુ મહંત અવેદ્યનાથ સહિત બ્રહ્મલીન ગુરુઓની સમાધિ પર પહોંચ્યા હતા અને વિધિપૂર્વક પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નાથપંથની પરંપરા અનુસાર ભગવાન ગોરખનાથને રોટનો મહાપ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. અંતે સામૂહિક આરતી યોજાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.




