સુવેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં ગુજરાતની એન્ટ્રી, DFS ટીમ કોલકાતા પહોંચી



સુવેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં ગુજરાતની એન્ટ્રી, DFS ટીમ કોલકાતા પહોંચી



કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં હવે ગુજરાતની ફોરેન્સિક ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ગાંધીનગર સ્થિત ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (DFS) ની ત્રણ સભ્યોની ટીમ કોલકાતા પહોંચી છે અને ઘટનાસ્થળે ફોરેન્સિક તથા બેલિસ્ટિક તપાસ શરૂ કરી છે.
ચંદ્રનાથ રથ પર બુધવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જ્યારે તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. હુમલાખોરોએ કારના ડ્રાઈવર પર પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને ચાર ગોળી વાગી હતી. હાલ ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી SIT સાથે ગુજરાતની DFS ટીમ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી છે. તપાસ દરમિયાન ગોળીની દિશા, ફાયરિંગનો એંગલ અને ગનશોટ રેસિડ્યુ જેવી ટેક્નિકલ વિગતોનું વિશ્લેષણ કરવામાં આવશે. બેલિસ્ટિક નિષ્ણાતો હુમલામાં વપરાયેલા હથિયારની ઓળખ અને ઘટનાક્રમને પુનઃસર્જિત કરવામાં મદદ કરશે.
ગાંધીનગર સ્થિત DFS દેશની જાણીતી ફોરેન્સિક સંસ્થાઓમાંની એક છે, જે બેલિસ્ટિક, DNA, સાયબર ફોરેન્સિક અને ટોક્સિકોલોજી જેવી તપાસમાં નિષ્ણાત માનવામાં આવે છે. આ સંસ્થા અગાઉ પણ અનેક જટિલ ગુનાઓની તપાસમાં પોલીસ અને કોર્ટને ટેક્નિકલ મદદ આપી ચૂકી છે.
ચંદ્રનાથ રથની હત્યાને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ ઘટના પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ થોડા જ દિવસોમાં બની છે. હાલ સુધી હુમલાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને કોઈની ધરપકડ પણ જાહેર કરવામાં આવી નથી.




