Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 25% વધુ કેદીઓનો ભરાવો, NCRB રિપોર્ટ ચોંકાવનારો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા 2024’ના અહેવાલમાં ગુજરાતની જેલ વ્યવસ્થાની ચિંતાજનક તસવીર સામે આવી છે. રાજ્યની જેલોમાં ક્ષમતા કરતાં ઘણાં વધુ કેદીઓ હોવાને કારણે ખાસ કરીને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિતની જેલોમાં ભારે ભીડ સર્જાઈ છે, જે વ્યવસ્થાપન સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 10 May 2026 03:53 PM IST
ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 25% વધુ કેદીઓનો ભરાવો, NCRB રિપોર્ટ ચોંકાવનારોગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 25% વધુ કેદીઓનો ભરાવો, NCRB રિપોર્ટ ચોંકાવનારો

AI Image

અમદાવાદ: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા 2024’ના અહેવાલે ગુજરાતના જેલ તંત્રની ગંભીર સ્થિતિને ઉજાગર કરી છે. અહેવાલ મુજબ રાજ્યની જેલોમાં કેદીઓની સંખ્યા તેની નિર્ધારિત ક્ષમતા કરતાં ઘણી વધુ હોવાથી ભારે ભીડ અને વ્યવસ્થાપન સંકટ ઉભું થયું છે.

મળતી માહિતી મુજબ ગુજરાતની તમામ જેલોમાં કુલ 14,108 કેદીઓ રાખવાની ક્ષમતા છે, જ્યારે હાલ 17,700થી વધુ કેદીઓ સળિયા પાછળ બંધ છે. એટલે કે જેલોમાં આશરે 25 ટકાથી વધુનો ભરાવો જોવા મળી રહ્યો છે. તેમાં 5,231 કેદીઓ એવા છે જેમને અદાલતે દોષિત જાહેર કર્યા છે, જ્યારે બાકીના કેદીઓ ટ્રાયલ હેઠળ છે.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સ્થિતિ સૌથી ગંભીર માનવામાં આવી રહી છે. અહીં 7,740 કેદીઓની ક્ષમતા સામે 10,456 કેદીઓ રાખવામાં આવ્યા છે. તે જ રીતે જિલ્લા જેલ અને સબ જેલોમાં પણ ક્ષમતા કરતાં વધુ કેદીઓનો ભાર જોવા મળી રહ્યો છે, જેના કારણે જેલ પ્રશાસન પર દબાણ વધ્યું છે.

જોકે અહેવાલમાં મહિલા જેલ અને ઓપન જેલમાં સ્થિતિ સંતોષકારક હોવાનું જણાવાયું છે. મહિલા જેલમાં 410ની ક્ષમતા સામે માત્ર 198 કેદીઓ છે, જ્યારે ઓપન જેલમાં 66ની ક્ષમતા સામે 36 કેદીઓ છે.

આ અહેવાલ બાદ રાજ્યમાં જેલોના આધુનિકીકરણ, નવી જેલોના નિર્માણ અને વ્યવસ્થાપન સુધારણા અંગે ચર્ચા તેજ બની છે. વધતી કેદીઓની સંખ્યા અને જગ્યા અભાવને કારણે જેલ પ્રશાસન પર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો વધતો ભાર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.