Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આતંકી ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્કનો કર્યો મોટો પર્દાફાશ

ગાંધીનગરમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આતંકી ફંડિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીના આધારે થયેલી તપાસમાં અલગ અલગ દેશોના આતંકી સંગઠનો સાથે સંકળાયેલા આરોપીઓ સુધી તપાસના તાર પહોંચતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 04:11 PM IST
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આતંકી ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્કનો કર્યો મોટો પર્દાફાશગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આતંકી ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્કનો કર્યો મોટો પર્દાફાશ

ગાંધીનગર : ગાંધીનગર ખાતે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આતંકી ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્કનો મોટો ભંડાફોડ કર્યો છે. એસપી ડૉ. રાજદીપ સિંહ ઝાલાએ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના આધારે અલગ અલગ દેશોના આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલ ગેંગના 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

₹226 કરોડથી વધુના ક્રિપ્ટો નેટવર્કનો ખુલાસો

તપાસ દરમિયાન રૂપિયા 226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભારતના 9 યુઝર્સના વોલેટમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ડ્રગ્સ અને ટેરર ફંડિંગ વચ્ચે સીધી કડી

ઝડપાયેલ ગેંગ નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ, મની લોન્ડરિંગ અને આતંકી સંગઠનો સુધી ફંડ પહોંચાડવાનું કામ કરતી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ડ્રગ્સ અને ટેરર ફંડિંગ વચ્ચે સીધી કડી હોવાનું પણ સ્પષ્ટ થયું છે.

ક્રિપ્ટો મારફતે આતંકી સંગઠનો સુધી ફંડ

આરોપીઓ “ડર્ટી ક્રિપ્ટો”ને USDTમાં કન્વર્ટ કરીને આતંકવાદી સંગઠનો સુધી ફંડ પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને Monero જેવી ટ્રેસ ન કરી શકાય તેવી ક્રિપ્ટોકરન્સીનો આશરે ₹2 કરોડ સુધી ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ગેરકાયદેસર નાર્કોટિક્સ વેબસાઇટ સાથે કનેક્શન

તપાસમાં ગેરકાયદેસર ઓનલાઇન નાર્કોટિક્સ વેબસાઇટ ARTEMISLAB.CC સાથે ગુજરાતના કેટલાક ક્રિપ્ટો વોલેટ્સના સીધા કનેક્શન સામે આવ્યા છે. મોહસીન સદીક મોલાણીના વોલેટમાં શંકાસ્પદ ફંડ ટ્રાન્સફર મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કનેક્શનના પુરાવા

ઇઝરાયલની NBCTF દ્વારા ફ્રીઝ કરાયેલા વોલેટ્સ સાથે સીધા ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા છે. સાથે જ અમેરિકાની પ્રતિબંધિત સંસ્થાઓ સાથે પણ ફંડ ટ્રાન્સફરના પુરાવા તપાસ એજન્સીઓને મળ્યા હોવાનું જણાવાયું છે.

ટેલિગ્રામ અને દુબઈથી ચાલતું નેટવર્ક

ડ્રગ્સના ઓર્ડર ટેલિગ્રામ મારફતે લેવામાં આવતા હતા અને સમગ્ર નેટવર્ક દુબઈથી સંચાલિત થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સલમાન અન્સારી નામનો આરોપી હાલ બ્રિટનની જેલમાં હોવા છતાં જેલમાંથી જ આ નેટવર્ક ચલાવતો હોવાના પુરાવા મળ્યા છે.

હવાલા અને આંગડિયા મારફતે હેરફેર

તપાસમાં હવાલા અને આંગડિયા સિસ્ટમ મારફતે પૈસાની હેરફેર થતી હોવાનો પણ ખુલાસો થયો છે. સમગ્ર મામલે ગુજરાત સાયબર સેલ સહિત અન્ય એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.