અમદાવાદમાં ઝેપ્ટોથી મંગાવેલા પાવમાં ફંગસ: ક્લાસ-1 અધિકારીનો આક્ષેપ, ફૂડ સેફ્ટી પર ઉઠ્યા સવાલ



અમદાવાદમાં ઝેપ્ટોથી મંગાવેલા પાવમાં ફંગસ: ક્લાસ-1 અધિકારીનો આક્ષેપ, ફૂડ સેફ્ટી પર ઉઠ્યા સવાલ



અમદાવાદ: શહેરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવાઓની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગરના સુઘડ નજીક રહેતા અને ગુજરાત હાઈકોર્ટમાં ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી યોગેન્દ્ર કુમાર ઓઝાએ Zepto મારફતે મંગાવેલા પાવમાં ફંગસ હોવાનું આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી મુજબ, એપ દ્વારા બ્રેડ સહિતના ખાદ્ય પદાર્થોનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી મળ્યા બાદ પાવમાં ફંગસ લાગેલું અને દુર્ગંધ આવતી હોવાનું સામે આવ્યું હતું. તેમણે ડિલિવરી બોયને ફરિયાદ કરતા જાણવા મળ્યું કે માલ મોટેરા સ્થિત ઝેપ્ટો સ્ટોરમાંથી મોકલાયો હતો.
આ જવાબથી અસંતુષ્ટ રહી ઓઝા પોતે સ્ટોર સુધી પહોંચ્યા હતા, જ્યાં સ્ટાફે યોગ્ય સ્પષ્ટતા ન આપતા જવાબદારી ટાળવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ તેમણે 112 પર કોલ કરી તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ ફૂડ વિભાગમાં સત્તાવાર અરજી કરી હતી.
ખાસ વાત એ છે કે ફરિયાદી સિનિયર સરકારી અધિકારી હોવા છતાં Ahmedabad Municipal Corporation તથા સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઘટનાના સમયે સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે તપાસ હાથ ધરાઈ ન હોવાનું સામે આવ્યું છે.
ઓઝાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આવી બેદરકારી જાહેર આરોગ્ય માટે સીધો ખતરો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ બનાવ બાદ ઝડપથી વધી રહેલી ઓનલાઈન ફૂડ ડિલિવરી સિસ્ટમની જવાબદારી અને ગુણવત્તા પર ફરી સવાલો ઉભા થયા છે.




