અમદાવાદના સેટેલાઈટમાં ફ્લેટમાં આગ લાગી, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો



અમદાવાદના સેટેલાઈટમાં ફ્લેટમાં આગ લાગી, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો



અમદાવાદ: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર સ્થિત રત્નાકર-3 બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આજે સવારે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતા ફાયર વિભાગની છ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
અચાનક આગ લાગતા ફ્લેટમાં રહેતા લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેથી મોટી જાનહાની ટળી હતી. જોકે આગના કારણે ફ્લેટમાં રહેલો ઘરવખરીનો મોટાભાગનો સામાન બળી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં ચાલુ રહેલા એસી અથવા ચાર્જિંગ સાધનોના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.




