ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખતમ: ગુજરાત પોલીસ હવે ‘AI’ થી કસશે ગાળિયો, દેશમાં પ્રથમવાર ‘NARIT AI’ ટૂલ લોન્ચ



ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખતમ: ગુજરાત પોલીસ હવે ‘AI’ થી કસશે ગાળિયો, દેશમાં પ્રથમવાર ‘NARIT AI’ ટૂલ લોન્ચ



ઝીરો ટોલરન્સ: NDPS કેસોમાં આરોપીઓ છૂટી ન જાય તે માટે હર્ષ સંઘવીની નવી પહેલ; હવે FIR અપલોડ કરતા જ AI જણાવશે તપાસની નબળાઈઓ અને કાયદાકીય ઉપાયો
ગાંધીનગર:
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે મોટું કદમ ઉઠાવ્યું છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે લડવા માટે દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટૂલ ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) લોન્ચ કર્યું છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી હવે નશીલા પદાર્થોના કેસમાં આરોપીઓને સજા અપાવવાનો દર (Conviction Rate) વધશે.
ભારતમાં પ્રથમવાર આવી ટેક્નોલોજીનો ઉપયોગ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ગુજરાત સરકાર ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવા માટે કટિબદ્ધ છે. ઘણીવાર પ્રક્રિયાત્મક ખામીઓને કારણે આરોપીઓ છૂટી જતા હોય છે, પરંતુ હવે ટેક્નોલોજીની મદદથી તપાસ વધુ સચોટ બનશે." મહત્વની વાત એ છે કે, ભારતની કોઈપણ પોલીસ એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રકારનું પ્રથમ AI ટૂલ છે.
કેવી રીતે કામ કરશે ‘NARIT AI’?
FIRનું વિશ્લેષણ: તપાસ અધિકારીએ માત્ર FIR આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે. રિયલ-ટાઈમ રિપોર્ટ: સિસ્ટમ તરત જ કેસની મજબૂતી અને નબળાઈઓનું મૂલ્યાંકન કરી રિપોર્ટ તૈયાર કરશે.
શું કરવું અને શું ન કરવું: આ ટૂલ અધિકારીને જણાવશે કે તપાસમાં કઈ ભૂલો ટાળવી અને કયા પુરાવાઓ એકત્ર કરવા. ચુકાદાઓનો ડેટાબેઝ: હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓના આધારે આ ટૂલ કાનૂની સલાહ પણ આપશે.
ખાસિયત: ભૂલની કોઈ શક્યતા નહીં
વેસ્ટર્ન રેલવે (વડોદરા) ના SP અભય સોનીની પહેલથી વિકસાવાયેલું આ ટૂલ RAG (Retrieval Augmented Generation) ટેક્નોલોજી પર આધારિત છે. આ સિસ્ટમ ઓપન ઇન્ટરનેટનો ઉપયોગ કરવાને બદલે માત્ર નિર્ધારિત કાનૂની ડેટાબેઝનો જ ઉપયોગ કરે છે, જેથી ખોટી માહિતી (Hallucination) મળવાની શક્યતા નહિવત છે.
તપાસમાં હવે વિલંબ નહીં થાય
"અગાઉ માત્ર તાલીમબદ્ધ સ્ટાફ જ તપાસ કરી શકતો હતો, જેનાથી વિલંબ થતો હતો. હવે આ AI ટૂલ ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કામ કરશે અને દરેક તપાસ અધિકારીને એક્સપર્ટની જેમ તપાસ કરવામાં સક્ષમ બનાવશે."
- અભય સોની, SP, વેસ્ટર્ન રેલવે, વડોદરા
કોર્ટમાં બચાવ પક્ષની દલીલોનું પૂર્વાનુમાન કરશે
આ એપ્લિકેશન માત્ર તપાસમાં જ નહીં, પરંતુ કોર્ટ ટ્રાયલ દરમિયાન પણ મદદરૂપ થશે. બચાવ પક્ષના વકીલો કઈ દલીલો કરી શકે છે અને તેનો કાયદેસર રીતે શું જવાબ આપવો, તેનું માર્ગદર્શન પણ આ AI સિસ્ટમ પૂરી પાડશે. આ ખાનગી AI સિસ્ટમ માત્ર ગુજરાત પોલીસ માટે જ છે અને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ રહેશે નહીં.




