ડોનાલ્ડ ટ્રમ્પની ચીન યાત્રામાં વિશ્વની હાઇએસ્ટ સિક્યોરિટી, પાગલખાનાઓમાં પણ તપાસ



ડોનાલ્ડ ટ્રમ્પની ચીન યાત્રામાં વિશ્વની હાઇએસ્ટ સિક્યોરિટી, પાગલખાનાઓમાં પણ તપાસ



Donald Trump China Visit: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત માત્ર રાજદ્વારી મુલાકાત નહીં પરંતુ વિશ્વની સૌથી ઉચ્ચ સુરક્ષા કામગીરીમાંની એક બની ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને સાયબર સર્વેલન્સના ભયને કારણે ટ્રમ્પની સુરક્ષા માટે અત્યંત કડક પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિની કોઈપણ વિદેશ મુલાકાતની તૈયારીઓ લગભગ ત્રણ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. આ માટે એક એડવાન્સ સર્વે ગ્રુપ બનાવવામાં આવે છે, જેમાં ઘણી યુએસ એજન્સીઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ એર ટ્રાફિક કંટ્રોલ (ATC), એરપોર્ટ ઓપરેટરો અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરે છે. ટ્રમ્પના વિમાનના રૂટ, એરપોર્ટ અને મુસાફરીના રૂટની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.
અહેવાલ મુજબ, સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રપતિ દ્વારા મુલાકાત લેવાયેલા વિસ્તારોની નજીક માનસિક આરોગ્ય સંસ્થાઓનું પણ નિરીક્ષણ કરે છે. તાજેતરમાં રજા આપવામાં આવેલા દર્દીઓની માહિતીની પણ તપાસ કરવામાં આવે છે. 1981માં યુએસ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર થયેલા હુમલા પછી આ પ્રોટોકોલ વધુ કડક બનાવવામાં આવ્યો હતો, જ્યારે એક માનસિક રીતે બીમાર વ્યક્તિએ તેમને ગોળી મારી હતી. ટ્રમ્પ જે માર્ગો પર મુસાફરી કરે છે, ત્યાંથી બધા વાહનો દૂર કરવામાં આવે છે. રસ્તાની બાજુમાં પાર્કિંગ પર સખત પ્રતિબંધ છે. દરેક ઇમારત, છત અને રસ્તા પર સુરક્ષા તપાસ કરવામાં આવે છે.
ટ્રમ્પના એરફોર્સ વન પહેલાં યુએસ આર્મીના C-17 ગ્લોબમાસ્ટર કાર્ગો વિમાનો રવાના થાય છે. તેમાં હેલિકોપ્ટર, શસ્ત્રો, સંદેશાવ્યવહાર પ્રણાલી અને રાષ્ટ્રપતિની ખાસ લિમોઝીન 'ધ બીસ્ટ' મોકલવામાં આવે છે. એરફોર્સ વનને અત્યાધુનિક સુરક્ષા ટેક્નોલોજીથી સજ્જ માનવામાં આવે છે. તેમાં મેડિકલ યુનિટ, ઓપરેશન રૂમ, સુરક્ષિત સંદેશાવ્યવહાર પ્રણાલી અને મિસાઇલ સંરક્ષણ સુવિધાઓ છે. ટ્રમ્પ જે ખાસ કારમાં મુસાફરી કરે છે, તેને કેડિલેક વન અથવા 'ધ બીસ્ટ' કહેવામાં આવે છે. આ કાર બુલેટપ્રૂફ, ગેસ-પ્રૂફ અને વિસ્ફોટ-પ્રૂફ છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિના બ્લડ ગ્રુપનું લોહી પણ તેમાં રાખવામાં આવે છે, જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સારવાર કરી શકાય.
યુએસ સિક્રેટ સર્વિસ હોટેલનું કરે છે નિયંત્રણ
યુએસ પ્રેસિડેન્ટ જે હોટલમાં રોકાય છે, તેની આસપાસ પાર્કિંગ બંધ છે. યુએસ સિક્રેટ સર્વિસ અનેક માળનું નિયંત્રણ કરે છે. રૂમ પર બુલેટપ્રૂફ બારીઓ લગાવવામાં આવી છે અને બાથરૂમનું પણ નિરીક્ષણ કરવામાં આવે છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે, બાયોસિક્યોરિટીના કારણોસર, રાષ્ટ્રપતિનો જૈવિક કચરો પણ પાછો લઈ જવામાં આવે છે. ચીનની મુલાકાતો દરમિયાન, યુએસ અધિકારીઓને તેમના અંગત ફોન અને લેપટોપનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. સાયબર જાસૂસી અટકાવવા માટે તેમને "સ્વચ્છ ઉપકરણો" પૂરા પાડવામાં આવે છે.
નિષ્ણાતો માને છે કે, ચીન વિશ્વના સૌથી આક્રમક સાયબર સર્વેલન્સ દેશોમાંનો એક છે, તેથી યુએસ ટીમ સંપૂર્ણપણે નિયંત્રિત ડિજિટલ વાતાવરણમાં કાર્ય કરે છે. રિપોર્ટમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષાનો પણ ઉલ્લેખ છે. એવું અહેવાલ આપવામાં આવ્યો હતો કે, તેમની સશસ્ત્ર ઓરસ સેનેટ લિમોઝિન એક ફરતા કિલ્લા જેવી છે, જે બોમ્બ, ગોળીઓ અને રાસાયણિક હુમલાઓ સામે રક્ષણ પૂરું પાડે છે.




