અમરેલીમાં કોંગ્રેસ સક્રિય, ઉમેદવારી પ્રક્રિયા શરૂ



અમરેલીમાં કોંગ્રેસ સક્રિય, ઉમેદવારી પ્રક્રિયા શરૂ



અમરેલી: અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 34 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેના પગલે રાજકીય ગરમાવો વધ્યો છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા સાવરકુંડલા ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામ જાહેર કર્યા વિના ફોર્મ ભરવાની પ્રક્રિયા પાર્ટીની રણનીતિનો ભાગ છે.
તે ઉપરાંત લાઠી અને બાબરા વિસ્તારમાં પણ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરની હાજરીમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.
જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા કોંગ્રેસ તરફ વળશે અને પાર્ટીને જીત અપાવશે. સાથે જ તેમણે સત્તાધારી ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપ પોતાની ઉમેદવારો જાહેર કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહી છે, જે તેની નબળી સ્થિતિ દર્શાવે છે.




