Get News Alerts

Never miss breaking news updates.

ગોળીબાર કરનાર નિવૃત્ત DySPની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં હોબાળો: ધક્કા મારી લોકઅપમાં ધકેલાયા

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત DySPની ધરપકડ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જમીન વિવાદના કેસમાં ગોળીબારથી શરૂ થયેલો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, જ્યાં અશોકસિંહ ચૌહાણના હોબાળાને કારણે તેમને લોકઅપમાં ધકેલવામાં આવ્યા હતા. દીકરા-દીકરીની ધરપકડ સાથે કેસે વધુ ગંભીર વળાંક લીધો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 May 2026 02:03 PM IST
ગોળીબાર કરનાર નિવૃત્ત DySPની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં હોબાળો: ધક્કા મારી લોકઅપમાં ધકેલાયાગોળીબાર કરનાર નિવૃત્ત DySPની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં હોબાળો: ધક્કા મારી લોકઅપમાં ધકેલાયા

અમદાવાદ: અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં જમીન વિવાદને લઈને સર્જાયેલા ગંભીર ઘટનાક્રમ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

ગઈકાલે (27 મે) જમીન વિવાદ દરમિયાન અશોકસિંહ ચૌહાણે ગોળીબાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આજે (28 મે) તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ તેમણે હોબાળો મચાવતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં બે પોલીસ કોન્સ્ટેબલે તેમને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા.

પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટનાએ ભારે ઉથલપાથલ સર્જી હતી અને થોડીવાર માટે વાતાવરણ ગરમાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાક્રમને કારણે પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હેઠળ અશોકસિંહ ચૌહાણના દીકરા અને દીકરીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ તરફ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેમની માલિકીની જમીનમાં પોલીસની જ સાઠગાંઠથી ગુંડાઓને ઘૂસાડવામાં આવ્યા હતા.

વિશ્વસનીય માહિતી મુજબ વિવાદિત જમીન આશરે 5 વિઘા જેટલી છે, જેની અંદાજિત કિંમત લગભગ 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મામલો હાલ અશોક ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે કોર્ટમાં ચાલી રહ્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.