અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલા સહાજનંદ ટાવરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ



અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલા સહાજનંદ ટાવરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ



અમદાવાદ: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા સહજાનંદ ટાવરમાં બંધ મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, જે મકાનમાં આગ લાગી તે લાંબા સમયથી બંધ હાલતમાં હતું. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આગને કારણે આસપાસના ફ્લેટ અને દુકાનોમાં પણ ધુમાડો ફેલાતા લોકોને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ દ્વારા મકાનની અંદર કોઈ વ્યક્તિ ફસાયેલ છે કે નહીં તેની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ કૂલિંગ કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી રહી છે જેથી ફરી આગ ભભૂકી ન ઊઠે. ઘટનાને લઈને પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આગની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, જ્યારે સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.




