સીએમ યોગીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- ‘ભારતને નબળું પાડવાના ષડયંત્રોથી સાવચેત રહેવું પડશે’


સીએમ યોગીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- ‘ભારતને નબળું પાડવાના ષડયંત્રોથી સાવચેત રહેવું પડશે’


જાતિ આધારિત રાજકારણ, પ્રાદેશિક ઓળખ અને ઇતિહાસને લઈને ચાલી રહેલી રાષ્ટ્રીય ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુ પૂર્ણિમાના અવસરે વિભાજનકારી શક્તિઓ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જ્યારે પણ વિકાસ અને વૈભવ તરફ આગળ વધ્યું છે, ત્યારે દેશને અંદર અને બહારથી નબળો પાડવાના પ્રયાસો થયા છે. તેમણે લોકોને આવી શક્તિઓથી સાવચેત રહેવાની અપીલ કરી હતી.
ગોરખનાથ મંદિર પરિસરમાં આયોજિત સાત દિવસીય શ્રીરામ કથાના પૂર્ણાહુતિ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતીય પરંપરામાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. તેમણે કહ્યું કે ગુરુ તે છે, જેની પાસેથી મનુષ્ય કંઈક શીખી શકે છે.
તેમણે કહ્યું કે ભારતની એકતા, સનાતન પરંપરા અને સાંસ્કૃતિક વારસાની રક્ષા માટે સમાજે જાગૃત અને સંગઠિત રહેવું પડશે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે કેટલીક શક્તિઓ સનાતન સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા માંગે છે અને તેમના સમર્થકો સમાજની અંદરથી જ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યોગી આદિત્યનાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત હજારો વર્ષોથી એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં રહ્યું છે. તેમણે કહ્યું કે પૂજા પદ્ધતિ, વેશભૂષા અને ભાષાઓ અલગ હોવા છતાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારત સાંસ્કૃતિક ચેતનાથી જોડાયેલું રહ્યું છે.
તેમણે કહ્યું કે જાતિ અને પ્રાદેશિકતાના નામે દેશને વિભાજિત કરવાના અનેક પ્રયાસો થયા છે, પરંતુ ભારતે દરેક પડકારનો એકતાથી સામનો કર્યો છે. તેમણે લોકોને વિભાજનકારી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પ્રત્યે સતત સતર્ક રહેવાની અપીલ કરી હતી.




