મેટામાં મોટો ભૂકંપ! માર્ક ઝુકરબર્ગ કરશે 8,000 કર્મચારીઓની છટણી



AI Image
મેટામાં મોટો ભૂકંપ! માર્ક ઝુકરબર્ગ કરશે 8,000 કર્મચારીઓની છટણી



AI Image
નવી દિલ્હી : દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાં સામેલ Meta હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર સંપૂર્ણ ફોકસ કરી રહી છે. Metaના CEO માર્ક ઝુકરબર્ગે કંપનીના માળખામાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જેના ભાગરૂપે આગામી 20 મેના રોજ અંદાજે 8,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. ટેક જગતમાં આ નિર્ણયને AI ક્રાંતિનો સૌથી મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.

હવે મોટી ટીમ નહીં, નાની અને ઝડપી ટીમો પર ભાર
ઝુકરબર્ગનું માનવું છે કે AI ટૂલ્સના વધતા ઉપયોગને કારણે હવે મોટા પ્રમાણમાં એન્જિનિયરોની જરૂરિયાત ઘટી રહી છે. અગાઉ જે કામ માટે મહિનાઓ લાગતા હતા, તે હવે AIની મદદથી થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે.
આ કારણે Meta હવે “અલ્ટ્રા-ફ્લેટ” ઓર્ગેનાઈઝેશન મોડેલ અપનાવી રહી છે. નવા મોડેલ હેઠળ મધ્યમ સ્તરના મેનેજરોની સંખ્યા ઘટાડવામાં આવશે અને એક મેનેજર હવે 50 જેટલા એન્જિનિયરોની ટીમ સંભાળશે. કંપની હવે માત્ર એવા કર્મચારીઓને જ રાખવા માંગે છે, જે AI સાથે કામ કરવાની ઊંચી ક્ષમતા ધરાવતા હોય.
AI અને ડેટા સેન્ટર પર લાખો કરોડનો ખર્ચ
Meta આ વર્ષે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 125 થી 145 બિલિયન ડોલર સુધીનું રોકાણ કરી રહી છે. ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો આ રકમ અંદાજે ₹12 લાખ કરોડ જેટલી થાય છે.
કંપની ડેટા સેન્ટર, AI ચિપ્સ અને નવા AI મોડેલ ટ્રેનિંગ પાછળ પાણીની જેમ પૈસા ખર્ચી રહી છે. Metaના CFO સુસાન લીએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.
આ વધેલા ખર્ચને સંતુલિત કરવા કંપની હવે સેલેરી બજેટમાં ઘટાડો અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો રસ્તો અપનાવી રહી છે.
કર્મચારીઓ પર AIથી નજર?
રિપોર્ટ મુજબ Metaએ કર્મચારીઓની કામગીરી પર નજર રાખવા માટે નવા AI આધારિત ટ્રેકિંગ ટૂલ્સ લાગુ કર્યા છે. જેમાં કર્મચારીઓના કીસ્ટ્રોક, માઉસ મૂવમેન્ટ અને ક્લિક્સ સુધીની માહિતી રેકોર્ડ કરવામાં આવી રહી છે.
કંપની આ ડેટાનો ઉપયોગ AI સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવા માટે કરી રહી હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, કેટલાક વિભાગોમાં હવે કર્મચારીઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન પણ AI દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પગલાંઓ બાદ કંપનીના કર્મચારીઓમાં નોકરી ગુમાવવાની ભીતિ અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટેક જગત માટે મોટો સંદેશ
Metaનો આ નિર્ણય સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રી માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. હવે માત્ર ડિગ્રી અથવા અનુભવ પૂરતા નથી, પરંતુ AI ટૂલ્સ સાથે કામ કરવાની ક્ષમતા સૌથી મોટું હથિયાર બની રહી છે.
આગામી સમયમાં AIના કારણે અનેક નોકરીઓ ખતમ થવાની શક્યતા વચ્ચે Metaનું આ પગલું ટેક સેક્ટરમાં મોટા પરિવર્તનનો સંકેત આપી રહ્યું છે.




