બાંગ્લાદેશમાં ગમખ્વાર અકસ્માત; 15 લોકોના મોત, 10 ઘાયલ



બાંગ્લાદેશમાં ગમખ્વાર અકસ્માત; 15 લોકોના મોત, 10 ઘાયલ



Bangladesh Accident: સોમવારે વહેલી સવારે બાંગ્લાદેશમાં એક મુખ્ય હાઇવે પર લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં પંદર લોકો માર્યા ગયા હતા અને દસ અન્ય ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, લોકો 10 દિવસની ઇદ અલ-અધાની રજા માટે પોતાના વતન જઈ રહ્યા હતા, ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
સ્થાનિક ફાયર સ્ટેશનના વડા અતાઉર રહેમાને પત્રકારોને જણાવ્યું હતું કે, આ અકસ્માત જમુના પુલની પૂર્વ બાજુએ થયો હતો, જે ઉત્તરપશ્ચિમ બાંગ્લાદેશને મધ્ય બાંગ્લાદેશ સાથે જોડે છે. તેમણે એમ પણ કહ્યું કે, નજીકના વિસ્તારોના લોકોની મદદથી ઘાયલોને સ્થાનિક આરોગ્ય સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા.
ટ્રક પર લોખંડના સળિયા પર મુસાફરો બેઠા હતા
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રકમાં લોખંડના સળિયા તેમજ કેટલાક મુસાફરો પણ હતા. ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તે ટાંગાઈલના કાલીહાટી ઉપ-જિલ્લામાં પલટી ગયું હતું. ટાંગાઈલના અધિક પોલીસ અધિક્ષક ફૌઝિયા હબીબ ખાને જણાવ્યું હતું કે, ટ્રક દક્ષિણપૂર્વીય બંદર શહેર ચટ્ટોગ્રામથી ઉત્તરપશ્ચિમ પ્રદેશ તરફ જઈ રહ્યો હતો. શક્ય છે કે, ઈદની ભીડને કારણે રસ્તામાં અલગ અલગ જગ્યાએથી પીડિતો ટ્રકમાં ચઢ્યા હોય.
બાંગ્લાદેશમાં સોમવારથી 10 દિવસની ઈદ અલ-અધાની રજા શરૂ થઈ ગઈ છે. લોકો તહેવાર માટે ઘરે જતા હોવાથી બસો, ટ્રેનો અને બોટો ભરેલી હોય છે. ગરીબ લોકો ઘણીવાર ઓછા ખર્ચને કારણે અથવા નિયમિત પેસેન્જર વાહનોમાં ટિકિટ ન મળતા હોવાથી ટ્રક દ્વારા મુસાફરી કરે છે.




