બાંદા પોલીસે એન્કાઉન્ટર બાદ દુષ્કર્મના બે આરોપીઓને ઝડપ્યા, બે કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટર બાદ 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપી એજાજ (25)ના ડાબા પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Growth Now News
Growth Now News
બાંદા પોલીસે એન્કાઉન્ટર બાદ દુષ્કર્મના બે આરોપીઓને ઝડપ્યા, બે કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્તબાંદા પોલીસે એન્કાઉન્ટર બાદ દુષ્કર્મના બે આરોપીઓને ઝડપ્યા, બે કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટર બાદ 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપી એજાજ (25)ના ડાબા પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 24 જુલાઈના રોજ 16 વર્ષીય કિશોરી એકલી પોતાના મામાના ઘરે જવા માટે નીકળી હતી. તે મોડી સાંજે બાંદા બસ સ્ટેન્ડ પહોંચી હતી. કિશોરીને ફતેહપુરના નરૈની જવાનું હતું. આરોપી ઓટો ડ્રાઈવર નરેશે તેને નરૈની છોડવાની વાત કહી રાત્રે લગભગ 9 વાગ્યે ઓટોમાં બેસાડી હતી. ત્યારબાદ તે લગભગ એક કલાક સુધી કિશોરીને અલગ-અલગ સ્થળોએ ફેરવતો રહ્યો.

આ દરમિયાન નરેશનો સાથી એજાજ પણ ઓટોમાં બેસી ગયો હતો. બંને આરોપીઓ કિશોરીને એક નિર્જન સ્થળે લઈ ગયા, જ્યાં એજાજે તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. કિશોરીએ બૂમો પાડતાં આરોપીએ તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કિશોરીએ તેના હાથમાં બચકું ભરી ત્યાંથી ભાગી જઈ નજીકના ઢાબા પર પહોંચી હતી. ઢાબા પર હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે CCTV ફૂટેજ અને ઈ-રિક્ષાની ઓળખના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે સવારે બંને આરોપીઓ ઓટો સાથે જોવા મળતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ બંને ભાગવા લાગ્યા બાદ થયેલી ફાયરિંગમાં એજાજના પગમાં ગોળી વાગી અને નરેશની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, એજાજ સામે અગાઉ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.