ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શાહીબાગ ખાતે શ્રી પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના નૂતન હોલનું ઉદ્ઘાટન કર્યું



ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શાહીબાગ ખાતે શ્રી પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના નૂતન હોલનું ઉદ્ઘાટન કર્યું



અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી પંચાલ મિલન મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘નૂતન હોલ’નું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે મહાનુભાવોએ સમાજની પ્રગતિને દર્શાવતું ‘સોવેનિયર’ પણ વિમોચન કર્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત હોલ સમાજના વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે. તેમણે સમાજના સભ્યો સાથે મળવાનો અવસર મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે સમાજને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો જરૂરી છે અને તેમાં શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ આધાર છે. યુવાનોને આગળ આવી સમાજ માટે યોગદાન આપવાની અપીલ કરતા તેમણે શિક્ષણ સાથે સામાજિક સંસ્કારોનું સંવર્ધન પણ એટલું જ જરૂરી હોવાનું જણાવ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉદાહરણને ટાંકીને તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદીએ રાજ્યમાં સુશાસન માટે ચિંતન શિબિરોનું આયોજન કરીને માર્ગદર્શન આપ્યું હતું. તેવી જ રીતે સમાજના બંધારણમાં પણ યુવાનોને સાથે લઈને ચર્ચા અને આયોજન થવું જોઈએ, જેથી સમાજને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું કે પરંપરાગત કૌશલ્યને યુવા પેઢીને વારસામાં આપવું જરૂરી છે, જેથી જૂની કળાઓનું સંરક્ષણ થઈ શકે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




