પદ કરતાં દેશ અને યુવા પેઢી વધુ મહત્વપૂર્ણ: ગૃહમંત્રી અમિત શાહ


પદ કરતાં દેશ અને યુવા પેઢી વધુ મહત્વપૂર્ણ: ગૃહમંત્રી અમિત શાહ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ માટે કોઈપણ પદ કરતાં દેશ, દેશવાસીઓ અને યુવા પેઢી વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આ વિચારધારાને દર્શાવે છે.
અમિત શાહે જણાવ્યું કે મોદી સરકાર દેશના યુવાનોની લાગણીઓનું સન્માન કરે છે અને પેપર લીક સામે જરૂરી સુધારાઓ કરવા માટે પ્રતિબદ્ધ છે. પેપર લીકના દોષિતોને કડક સજા મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પ્રશંસનીય હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણ, માતૃભાષામાં પરીક્ષાની વ્યવસ્થા, PM શ્રી શાળાઓના વિસ્તરણ, ડિજિટલ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સંકલનને મજબૂત બનાવવાની દિશામાં થયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
દરમિયાન, ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે રાષ્ટ્રસેવા તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે તેઓ ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યા છે.
NEET-UG પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે મામલાને ગંભીરતાથી લઈ તપાસ CBIને સોંપી હતી. આગામી વર્ષથી પરીક્ષા CBT મોડમાં યોજવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.




