અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં વરસશે પ્રિ-મોન્સૂન વરસાદ



અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં વરસશે પ્રિ-મોન્સૂન વરસાદ



ગાંધીનગર : રાજ્યમાં ફરી એકવાર હવામાનમાં મોટો પલ્ટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વધુ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22થી 25 મે દરમિયાન રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે. 28 મેથી 3 જૂન દરમિયાન હવામાનમાં ફરી પલ્ટો આવવાની શક્યતા છે, જોકે આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ વધારો નોંધાઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રોહિણી નક્ષત્ર બેસતા સારા વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. 10 જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. રોહિણી નક્ષત્ર દરમિયાન 40 મીમીથી 80 મીમી સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત 8 જૂનથી 15 જૂન અને 23 જૂનથી 28 જૂન વચ્ચે પણ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતો અને સામાન્ય લોકોમાં વરસાદને લઈને ઉત્સુકતા વધી ગઈ છે.




