અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર ₹547 કરોડના આધુનિક હોસ્પિટલ, હોસ્ટેલ અને રિસર્ચ સેન્ટર બનશે



ફાઈલ ફોટો
અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર ₹547 કરોડના આધુનિક હોસ્પિટલ, હોસ્ટેલ અને રિસર્ચ સેન્ટર બનશે



ફાઈલ ફોટો
અમદાવાદ અમદાવાદમાં થયેલી દુઃખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા હતા અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા હોસ્ટેલ બિલ્ડિંગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. હવે રાજ્ય સરકારે મેઘાણીનગર સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં નુકસાનગ્રસ્ત ઇમારતોને દૂર કરીને અત્યાધુનિક આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે તાત્કાલિક રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે સમગ્ર વિસ્તારને આધુનિક ‘હેલ્થ ટેમ્પલ’ અને ‘એજ્યુકેશન ટેમ્પલ’ તરીકે વિકસાવવામાં આવશે.
પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલનું નિર્માણ
યોજના અંતર્ગત આશરે ₹295 કરોડના ખર્ચે પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ અને 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 25,000 ચોરસ મીટર જમીનનો ઉપયોગ કરાશે.
PG વિદ્યાર્થીઓ માટે નવા હોસ્ટેલ બ્લોક
પરિણીત PG વિદ્યાર્થીઓ માટે G+7 માળના આશરે 8 નવા હોસ્ટેલ બ્લોક બનાવવામાં આવશે, જેમાં કુલ 510 રહેણાંક યુનિટની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹192 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
800 વિદ્યાર્થીઓ માટે આધુનિક કેન્ટીન
વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા આપવા માટે G+1 માળનું આધુનિક કેન્ટીન બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે. 800 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા આ કેન્ટીન માટે આશરે ₹10 કરોડનો ખર્ચ થશે.
NABL ધોરણની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી
ન્યૂ મેન્ટલ કેમ્પસમાં G+7 માળની આધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી પણ ઉભી કરવામાં આવશે. NABL ધોરણ મુજબ બનનારી આ લેબોરેટરી માટે અંદાજે ₹50 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને લગભગ 3,100 ચોરસ મીટર જમીનનો ઉપયોગ થશે.
આરોગ્ય અને મેડિકલ શિક્ષણનું નવું કેન્દ્ર બનશે કેમ્પસ
સરકારના જણાવ્યા મુજબ તમામ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મેઘાણીનગરનો ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય, સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસિત થશે. જેના કારણે વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે.




