કાંકરિયા જલધારામાં પાણીની અંદર યોગ અને ગરબાનો અનોખો સંગમ



કાંકરિયા જલધારામાં પાણીની અંદર યોગ અને ગરબાનો અનોખો સંગમ



અમદાવાદ વિશ્વ યોગ દિવસના અવસરે અમદાવાદના મણિનગર સ્થિત કાંકરિયા જલધારા વોટરપાર્ક ખાતે અનોખા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "ઓમ ધ થર્ડ આઇ યોગ" સંસ્થાના 70થી વધુ યોગ સાધકોએ પાણીની અંદર વિવિધ યોગાસનો કરીને યોગનો અનોખો સંદેશ આપ્યો હતો.
કોચ કલ્પના પાનિકરના માર્ગદર્શન હેઠળ બાળકો, યુવાનો અને વૃદ્ધોએ પાણીમાં વિવિધ યોગ મુવ્સ અને આસનોનું પ્રદર્શન કર્યું હતું. પાણીની અંદર કરવામાં આવેલા યોગાસનોએ ઉપસ્થિત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પાણીની અંદર રજૂ કરાયેલા વોટર ગરબા રહ્યા હતા. સંગીતના તાલે સહભાગીઓએ યોગ અને ગરબાનું અદભૂત સંયોજન રજૂ કર્યું હતું, જેને જોઈ પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
આયોજકોના જણાવ્યા અનુસાર, પાણીની અંદર યોગ કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્યલાભ મળે છે અને શરીરની લવચીકતા તેમજ સંતુલન ક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો.
વિશ્વ યોગ દિવસની આ અનોખી ઉજવણી દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે યોગ માત્ર જમીન પર જ નહીં, પરંતુ પાણીમાં પણ કરી શકાય છે અને તે દરેક ઉંમરના લોકો માટે લાભદાયક છે. કાર્યક્રમના અંતે સહભાગીઓને યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




