વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોનાં મોતની આશંકા; દેશમાં ઇમરજન્સી જાહેર



વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોનાં મોતની આશંકા; દેશમાં ઇમરજન્સી જાહેર



બે શક્તિશાળી ભૂકંપથી દેશ હચમચી ઉઠ્યો વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ ભૂકંપના કારણે હજારો લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે રસ્તા, વીજળી અને સંચાર વ્યવસ્થા પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
10 હજારથી 1 લાખ લોકોના મોતની આશંકા
ભૂકંપ બાદ નિષ્ણાતોએ જાનહાનિ અંગે ચિંતાજનક અંદાજ વ્યક્ત કર્યો છે. પ્રારંભિક મૂલ્યાંકન મુજબ મૃત્યુઆંક 10,000થી લઈને 1,00,000 સુધી પહોંચી શકે છે. અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની ભીતિ છે, જેના કારણે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટી જાહેર કરી
કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશને સંબોધતા ઇમરજન્સીની જાહેરાત કરી છે. તેમણે સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ અમલમાં મૂકી છે અને રાહત તથા બચાવ કામગીરીના સંકલન માટે એક ઉચ્ચ અધિકારીને જવાબદારી સોંપી છે. સાથે જ તેમણે દેશવાસીઓને એકતા જાળવવાની અપીલ કરી હતી.
20થી વધુ આફ્ટરશોક્સથી વધી ચિંતા
મુખ્ય ભૂકંપ બાદ અત્યાર સુધી 20થી વધુ આફ્ટરશોક્સ નોંધાયા છે. સતત આવી રહેલા આંચકાઓને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે અને વધુ ઇમારતો ધરાશાયી થવાનો ખતરો પણ વધી ગયો છે.
યુએસજીએસે આપી ભારે જાનહાનિની ચેતવણી
અમેરિકાની ભૂકંપીય એજન્સી USGSએ ચેતવણી આપી છે કે આ ભૂકંપના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ આપત્તિનો પ્રભાવ વિશાળ વિસ્તારમાં જોવા મળી શકે છે.
યુએસ એમ્બેસીની એડવાઇઝરી જાહેર
કારાકાસ સ્થિત અમેરિકન દૂતાવાસે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. દૂતાવાસે લોકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે.
બ્રાઝિલના એમેઝોનાસ સુધી અનુભવાયા આંચકા
ભૂકંપની અસર માત્ર વેનેઝુએલા સુધી સીમિત રહી નહોતી. અહેવાલો અનુસાર બ્રાઝિલના એમેઝોનાસ વિસ્તારમાં પણ આંચકા અનુભવાયા હતા. અનેક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કારાકાસ નજીક હતું ભૂકંપનું કેન્દ્ર
પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ હતી, જેને બાદમાં 7.2 સુધી અપગ્રેડ કરવામાં આવી. તેનું કેન્દ્ર કારાકાસથી આશરે 168 કિલોમીટર પશ્ચિમમાં કેરેબિયન કિનારે આવેલા મોરોન શહેરની નજીક હોવાનું જણાવાયું છે.
કાટમાળ નીચે ફસાયેલા લોકોની મદદ માટે બૂમો
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ અનેક ધરાશાયી ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે.




