અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજનું આધુનિકીકરણ માત્ર 35 દિવસમાં પૂર્ણ, પાણી ભરવાની પ્રક્રિયા શરૂ



અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજનું આધુનિકીકરણ માત્ર 35 દિવસમાં પૂર્ણ, પાણી ભરવાની પ્રક્રિયા શરૂ



અમદાવાદ અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજના આધુનિકીકરણની કામગીરી માત્ર 35 દિવસના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. રૂ. 10.15 કરોડના ખર્ચે બેરેજના 19 નવા દરવાજા લગાવવામાં આવ્યા છે અને 10 દરવાજાનું રિપેરિંગ કરવામાં આવ્યું છે.
વર્ષ 1976માં બનેલું વાસણા બેરેજ અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્વપૂર્ણ માળખું માનવામાં આવે છે. પ્રિ-મોન્સુન નિરીક્ષણ બાદ ડેમ સલામતીને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
17 એપ્રિલ 2026થી બેરેજ ખાલી કરીને યુદ્ધના ધોરણે આધુનિકીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પાંચ હેવી ડ્યુટી મોબાઇલ ક્રેનની મદદથી દરવાજા બદલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
કામ દરમિયાન કુલ 460 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિવિલ વિભાગ દ્વારા બેરેજના હાલના માળખાને વધુ મજબૂત બનાવવા માટે પણ જરૂરી કામગીરી હાથ ધરાઈ હતી.
હવે સાબરમતી નદીમાં ફરીથી પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ આધુનિકીકરણ કામગીરીથી ચોમાસા દરમિયાન ડેમની સલામતીમાં વધારો થશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.




