વૈભવને તક આપવા માટે કોઈ ખેલાડીને બહાર નહીં કરીએ, આયર્લેન્ડ સિરીઝ પહેલા બેટિંગ કોચ સિતાંશુ કોટકનું નિવેદન



વૈભવને તક આપવા માટે કોઈ ખેલાડીને બહાર નહીં કરીએ, આયર્લેન્ડ સિરીઝ પહેલા બેટિંગ કોચ સિતાંશુ કોટકનું નિવેદન



અમદાવાદ: ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બે મેચની ટી20 સિરીઝનો પ્રારંભ શુક્રવારે (26 જૂન)થી થવાનો છે. આ સિરીઝમાં સૌની નજર 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશી પર છે. પ્રથમ ટી20માં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં તે અંગે ચર્ચાઓ વચ્ચે ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું કે માત્ર વૈભવને તક આપવા માટે ટીમ મેનેજમેન્ટ કોઈ એવા ખેલાડીને બહાર નહીં કરે, જે હાલમાં સારું પ્રદર્શન કરી રહ્યો હોય.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, "મને વિશ્વાસ છે કે વૈભવને પોતાની પ્રતિભા સાબિત કરવાની પૂરતી તકો મળશે. પરંતુ માત્ર તેને તક આપવા માટે હાલમાં રન બનાવી રહેલા ખેલાડીને બહાર કરવો યોગ્ય નથી."
તેમણે વધુમાં જણાવ્યું કે પ્લેઇંગ ઇલેવન અંગેનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટનો રહેશે. "કોઈ નવા ખેલાડીને તક આપવી અને સાથે જ સારો દેખાવ કરનાર ખેલાડી સાથે અન્યાય ન થાય, તેની વચ્ચે ખૂબ જ નાજુક સંતુલન જાળવવું પડે છે," એમ કોટકે કહ્યું.
વૈભવની પ્રતિભાની પ્રશંસા
બેટિંગ કોચે વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરતાં જણાવ્યું કે તે અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે. અંડર-19, ઇન્ડિયા A અને ઇમર્જિંગ ટૂર્નામેન્ટમાં રમવાના કારણે તે પહેલેથી જ ભારતીય ટીમની સંસ્કૃતિ અને વાતાવરણથી પરિચિત છે.
કોટકે કહ્યું કે, "અમે તેને માત્ર રમતનો આનંદ માણવાની સલાહ આપી છે. તેને સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ પ્રશ્ન હોય અથવા કોઈ વાત શેર કરવી હોય તો તે નિઃસંકોચ કરી શકે."
તેમણે ઉમેર્યું કે આ સ્તરના ખેલાડીઓમાં પરિપક્વતા, યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને સકારાત્મક રમતનો અભિગમ જોવા મળે છે. સૌથી મહત્વની બાબત એ છે કે વૈભવને એવું અનુભવાય કે તે ટીમનો મહત્વનો સભ્ય છે અને તેને નિર્ભય થઈને પોતાની કુદરતી રમત રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આવી હકારાત્મક સંસ્કૃતિ ટીમ માટે પણ લાભદાયી સાબિત થાય છે.




