
વધુ વૃક્ષો અને હરિયાળી ધરાવતા વિસ્તારોમાં રહેતા વૃદ્ધોમાં વધતી ઉંમર સાથે ડિપ્રેશનના લક્ષણોનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં લાંબા સમય સુધી હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે શહેરોના આયોજનમાં વૃક્ષો અને હરિયાળા વિસ્તારોને પ્રાધાન્ય આપવાથી વૃદ્ધોના માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે.

આધુનિક જીવનશૈલીમાં લોકોનો મોટાભાગનો સમય મોબાઇલ, લેપટોપ, ટીવી અને એર કન્ડિશન્ડ રૂમમાં પસાર થાય છે. વર્ક ફ્રોમ હોમ અને ડિજિટલ જીવનશૈલીના વધતા પ્રભાવ વચ્ચે લોકો કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે કુદરતથી વધતું અંતર માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે, જેને "નેચર ડેફિસિટ" તરીકે ઓળખવામાં આવે છે.