તૃણમૂલ કોંગ્રેસ તૂૂટશે? મમતાએ હાંકી કાઢેલા ઋતબ્રત બેનર્જી MLAના સહીવાળો પત્ર લઈ વિધાનસભા પહોંચ્યા



તૃણમૂલ કોંગ્રેસ તૂૂટશે? મમતાએ હાંકી કાઢેલા ઋતબ્રત બેનર્જી MLAના સહીવાળો પત્ર લઈ વિધાનસભા પહોંચ્યા



Mamata Banerjee: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ અને સંભવિત ભંગાણને લઈને ચર્ચાઓ તેજ બની છે. મીડિયા અહેવાલો મુજબ, પક્ષમાંથી હાંકલાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળ 50થી વધુ ધારાસભ્યો અલગ જૂથ બનાવી શકે છે.
અહેવાલો મુજબ ઋતબ્રત બેનર્જી 59 ધારાસભ્યોના સમર્થનપત્રો સાથે પશ્ચિમ બંગાળ વિધાનસભા પહોંચ્યા હતા. આ ધારાસભ્યોએ પોતાને જ "વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ" ગણાવવાનો દાવો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો પર જીત મેળવી હતી. જોકે હવે પાર્ટીના આશરે ત્રણ-ચોથાઈ ધારાસભ્યો અલગ થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અનેક ધારાસભ્યો પક્ષની બેઠકોમાં ગેરહાજર રહેતા હતા. આ ઉપરાંત, પક્ષ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન અને ધરણાઓમાં પણ કેટલાક ધારાસભ્યોની ગેરહાજરી નોંધાઈ હતી.
આ પરિસ્થિતિ બાદ પાર્ટીમાં ભંગાણની ચર્ચાઓ વધુ તેજ બની હતી, જોકે તૃણમૂલ કોંગ્રેસે અગાઉ આવા દાવાઓને ફગાવ્યા હતા.
અહેવાલો અનુસાર, અન્ય કેટલાક TMC ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા હતા, જેમાં અરૂપ રૉય, સાબીના યાસ્મિન સહિતના નામો સામેલ છે. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે તેઓ વિપક્ષના નેતાની પસંદગી અંગે બેઠક યોજવા માટે એકત્રિત થયા છે.
જો આ દાવાઓ સાચા સાબિત થાય તો પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટું રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે. જોકે, હાલ આ મામલે સત્તાવાર રીતે કોઈ અંતિમ નિર્ણય અથવા માન્યતા સામે આવી નથી.




