TMCને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદ શુંખેન્દુ શેખર રોયનું રાજીનામું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપો



TMCને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદ શુંખેન્દુ શેખર રોયનું રાજીનામું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપો



મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMCને દિલ્હીમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ શુંખેંદુ શેખર રૉયએ પોતાના સાંસદ પદ તેમજ પાર્ટીની પ્રાથમિક સભ્યતા બંનેમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ રાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણનને સોંપ્યું હતું.
રાજીનામા બાદ રોયે પાર્ટીમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ ત્યારબાદ પાર્ટીમાં તેમને એકલા પાડી દેવામાં આવ્યા. તેમણે પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારની ફોરેન્સિક તપાસ કરવાની પણ માંગ કરી છે.
પશ્ચિમ બંગાળમાં TMCની ચૂંટણી હાર અંગે બોલતા તેમણે કહ્યું કે લોકોમાં માત્ર આર.જી. કર હોસ્પિટલ કેસને લઈને જ નહીં, પરંતુ અન્ય અનેક મુદ્દાઓને લઈને પણ ભારે અસંતોષ હતો. આ જનઆક્રોશ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
રોયે INDIA ગઠબંધનના ભવિષ્ય પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે આ ગઠબંધનનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી. તેમના આ નિવેદનથી વિપક્ષી એકતાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
આ દરમિયાન એવી અટકળો પણ ચાલી રહી હતી કે TMCની બીજી રાજ્યસભા સાંસદ કોયલ માલિક પણ રાજીનામું આપી શકે છે, પરંતુ અત્યાર સુધી તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
શુખેન્દુ શેખર રોયનું રાજીનામું TMC માટે મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યું છે અને પાર્ટીની અંદરના મતભેદો તથા અસંતોષને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યું છે.




