Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં નવજાત શિશુને કચરામાં ફેંકી દેવાનો ચોંકાવનારો કિસ્સો, પોલીસે માતાની ધરપકડ કરી

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીમાં એક દિવસનું મૃત નવજાત શિશુ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ શિશુને ત્યજી દેનાર માતાને ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં સમાજમાં બદનામીના ડરના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 12:01 PM IST
સુરતમાં નવજાત શિશુને કચરામાં ફેંકી દેવાનો ચોંકાવનારો કિસ્સો, પોલીસે માતાની ધરપકડ કરીસુરતમાં નવજાત શિશુને કચરામાં ફેંકી દેવાનો ચોંકાવનારો કિસ્સો, પોલીસે માતાની ધરપકડ કરી

સુરત સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની ફાટેલી થેલીમાં એક દિવસના મૃત નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સઘન તપાસના અંતે પોલીસે ગણતરીના દિવસોમાં જ નવજાત શિશુને ત્યજી દેનારી મહિલાની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના સંતાનો મોટા થઈ ગયા હોવાથી ફરી ગર્ભવતી બનવું તેને શરમજનક લાગતું હતું. સાથે જ સમાજમાં બદનામી અને લોકો શું કહેશે તેવા ડરના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આરોપી મહિલાએ પ્રસૂતિ બાદ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરાના ઢગલામાં ફેંકી દીધો હતો, જેના કારણે શિશુનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે નિર્દોષ નવજાત સાથે થયેલી આ ક્રૂર ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.