'સુજલ ગ્રામ સંવાદ'માં ગ્રામ્ય પીવાના પાણીની સુવિધા મજબૂત બનાવવા પર ભાર, પંચાયતોને સોર્સ સસ્ટેનેબિલિટીનું આહ્વાન



'સુજલ ગ્રામ સંવાદ'માં ગ્રામ્ય પીવાના પાણીની સુવિધા મજબૂત બનાવવા પર ભાર, પંચાયતોને સોર્સ સસ્ટેનેબિલિટીનું આહ્વાન



ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરમાં સુરક્ષિત અને શુદ્ધ નળના પાણીની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ સમુદાય આધારિત જળ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે જલ શક્તિ મંત્રાલયે ગુરુવારે 'સુજલ ગ્રામ સંવાદ'ના આઠમા સંસ્કરણનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને પંચાયતના પ્રતિનિધિઓ વચ્ચે પાણી પુરવઠા, જળ ગુણવત્તા અને જાળવણી સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
નેશનલ જલ જીવન મિશન (NJJM)ના વધારાના સચિવ અને મિશન ડિરેક્ટર કમલ કિશોર સોઆને જણાવ્યું કે ગ્રામ્ય પરિવારો સુધી પીવાલાયક નળનું પાણી નિયમિત અને સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવું સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે પાણીનો બગાડ અટકાવવા, નિયમિત પાણીની ગુણવત્તા તપાસવા અને પાણીના સ્ત્રોતોના સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો.
તેમણે જણાવ્યું કે હાલ વિકસાવવામાં આવી રહેલી પીવાના પાણીની વ્યવસ્થાઓ આગામી 25થી 30 વર્ષ સુધી ગામોને સેવા આપવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. તેથી પંચાયતોને પાણીના સ્ત્રોતોની ટકાઉપણું જાળવવા, સમયસર ઓપરેશન અને મેન્ટેનન્સ, લીકેજ રોકવા તેમજ સ્થાનિક સ્તરે મરામત અને દેખરેખની ક્ષમતા વિકસાવવા માટે સક્રિય બનવું પડશે.
સોઆને જણાવ્યું કે વર્ષ 2019થી દેશમાં ઘરઆંગણે નળ દ્વારા પાણી પહોંચાડવાના અભિયાનને પ્રાથમિકતા આપવામાં આવી છે. આજે જલ જીવન મિશન હેઠળ દેશના 6 લાખથી વધુ ગામોમાં કામગીરી ચાલી રહી છે, જેમાં ગ્રામ પંચાયત, ગ્રામસભા, સ્વસહાય જૂથો અને 'નલ જલ મિત્રો'નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
'સુજલ ગ્રામ સંવાદ'ના આઠમા સંસ્કરણમાં પાંચ ગ્રામ પંચાયત મુખ્યાલય ધરાવતા ગામો સાથે સીધી વર્ચ્યુઅલ ચર્ચા યોજાઈ હતી, જેમાં 3,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પારદર્શિતા, જનભાગીદારી અને જવાબદારી આધારિત મોડેલને વધુ ગામોમાં અમલમાં મૂકવા પર ભાર મૂકાયો.
આ ઉપરાંત 'જલ સેવા આંકલન'ને સેવા સંબંધિત ખામીઓ ઓળખી સુધારાત્મક પગલાં લેવા માટેની મહત્વપૂર્ણ પ્રક્રિયા ગણાવતા જિલ્લા કલેક્ટરોને દર મહિને જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની નિયમિત બેઠક યોજીને પાણી અને સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવા પણ અપીલ કરવામાં આવી.




