શાપર-વેરાવળમાં કરોડોની લૂંટથી ચકચાર, વૃદ્ધને બંધક બનાવી રૂ. 2.47 કરોડ રોકડા અને સોનાની લૂંટ



શાપર-વેરાવળમાં કરોડોની લૂંટથી ચકચાર, વૃદ્ધને બંધક બનાવી રૂ. 2.47 કરોડ રોકડા અને સોનાની લૂંટ



રાજકોટ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી કરોડોની લૂંટની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અજાણ્યા બુકાનીધારી શખ્સોએ 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી તેમના રહેણાંક સ્થળે ધાડ પાડી હતી. લૂંટારૂઓ રૂ. 2.47 કરોડની રોકડ રકમ તેમજ અંદાજે 5થી 7 તોલા સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, ઘટના રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ બની હતી. 5થી 7 જેટલા બુકાનીધારી શખ્સોએ વૃદ્ધને કાબૂમાં લઈ લૂંટને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું.
રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એલસીબી, સ્થાનિક પોલીસ તથા અન્ય વિશેષ ટીમોની રચના કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા બનાવ સ્થળ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં લૂંટારૂઓએ પૂર્વ આયોજન સાથે ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હાલ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે.




