રોહિત યાદવે 87.05 મીટરના ભાલા ફેંક સાથે જીત્યો ગોલ્ડ



રોહિત યાદવે 87.05 મીટરના ભાલા ફેંક સાથે જીત્યો ગોલ્ડ



ભુવનેશ્વર: કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાયેલી 65મી નેશનલ ઇન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભારતીય ભાલાફેંક ખેલાડી રોહિત યાદવે શાનદાર દેખાવ કરતાં 87.05 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે તેણે પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ રેકોર્ડ તોડ્યો અને 2026 એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કરી લીધો.
રવિવારે નોંધાયેલો 87.05 મીટરનો થ્રો આ સિઝનમાં કોઈપણ ભારતીય ખેલાડીનો સૌથી લાંબો થ્રો છે. વિશ્વ સ્તરે પણ રોહિત આ સિઝનમાં શ્રીલંકાના રમેશ થરંગા પથિરગે (92.62 મીટર) પછી બીજા ક્રમે પહોંચી ગયો છે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા 85.69 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને છે.
રોહિતનો અગાઉનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો 83.04 મીટર હતો, જે તેણે 2023માં નોંધાવ્યો હતો. આ વખતે તેણે માત્ર પોતાનો રેકોર્ડ જ નહીં, પરંતુ 84.35 મીટરના મીટ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો.
રોહિતની સમગ્ર સિરીઝ પણ પ્રભાવશાળી રહી હતી. તેણે અનુક્રમે 77.71, 77.63, એક ફાઉલ, 77.51, 79.40 અને છેલ્લે 87.05 મીટરનો થ્રો કર્યો હતો. સ્પર્ધા બાદ તેણે જણાવ્યું કે શરૂઆતમાં યોગ્ય લય મળી રહી નહોતી, પરંતુ અંતિમ પ્રયાસમાં સંપૂર્ણ રિધમ મળતાં કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો કરી શક્યો.
25 વર્ષીય રોહિતે કહ્યું કે આ પ્રદર્શનથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન તે સતત 86થી 87 મીટર સુધી ભાલો ફેંકી રહ્યો હતો, પરંતુ સ્પર્ધામાં તે પ્રદર્શન કરી શકતો નહોતો. હવે આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી છે.




