ઓકલેન્ડમાં પીએમ મોદીનો દાવો: ભારત વિશ્વને વિકાસનું નવું મોડેલ આપી રહ્યું છે


ઓકલેન્ડમાં પીએમ મોદીનો દાવો: ભારત વિશ્વને વિકાસનું નવું મોડેલ આપી રહ્યું છે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા ભારતની ઝડપી આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે ભારત વિશ્વને વિકાસનું નવું મોડેલ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને અનેક ક્ષેત્રોમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.
મોદીએ જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક દેશ છે. ઉપરાંત, દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક, બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક, બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક અને ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઇલ બજાર બની ગયો છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું રસી ઉત્પાદક દેશ છે તેમજ મોબાઇલ ડેટાના વપરાશમાં પણ અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ચૂક્યું છે અને ટૂંક સમયમાં નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ ત્રીજા ક્રમે પહોંચવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ડિજિટલ ઓળખ પ્લેટફોર્મનું સફળ સંચાલન કરી રહ્યું છે અને યુપીઆઈ દ્વારા દર મહિને અબજો ડિજિટલ વ્યવહારો થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રોન ટેક્નોલોજી અને અવકાશ અર્થતંત્રમાં વિશ્વના અનેક દેશો રસ દાખવી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડ સાથેના સંબંધો અંગે મોદીએ કહ્યું કે ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ મુલાકાત માટે 40 વર્ષ રાહ જોવી પડી હતી, પરંતુ હવે એટલો લાંબો વિરામ નહીં આવે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
પ્રવાસી ભારતીયોને સંબોધતા મોદીએ માતા-પિતાને તેમના બાળકોને 'ભારત કો જાણો ક્વિઝ' સાથે જોડાવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે આ પહેલનો હેતુ નવી પેઢીને ભારતની સંસ્કૃતિ, વારસા અને વૈવિધ્ય સાથે પરિચિત કરાવી તેમની ભારતીય ઓળખને વધુ મજબૂત બનાવવાનો છે.




