Asian Games 2026: વૈભવ સૂર્યવંશી બન્યો સૌથી યુવા ભારતીય ગોલ્ડ મેડલિસ્ટ, તોડ્યો 8 વર્ષ જુનો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ ખૂબ જ નાની ઉંમરે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે, જે ફક્ત ક્રિકેટ પૂરતો મર્યાદિત નથી પરંતુ ભારતીય રમતગમતના ઈતિહાસમાં અંકિત થયો છે. ભારતે 2026 એશિયન ગેમ્સના મેન્સ ક્રિકેટ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે વૈભવ એશિયન ગેમ્સના ઈતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો છે.

માત્ર 15 વર્ષ, 6 મહિના અને 10 દિવસની ઉંમરે પોડિયમની ટોપ પર ઊભા રહીને, વૈભવ સૂર્યવંશીએ સ્ટાર શૂટર સૌરભ ચૌધરીનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. અગાઉનો રેકોર્ડ શૂટર સૌરભ ચૌધરી પાસે હતો, જેને 2018 એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં 16 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સમાં ભારતનો બીજો સૌથી નાની ઉંમરનો મેડલ વિજેતા છે. આ રેકોર્ડ સ્પીડ સ્કેટર સંજના બાથુલા પાસે છે, જેણે 15 વર્ષ, 3 મહિના અને 11 દિવસની ઉંમરે હાંગઝોઉ 2023માં મહિલા સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પાકિસ્તાન સામેની ટાઈટલ મેચમાં વૈભવ સૂર્યવંશી મોટી ઈનિંગ રમશે તેવી અપેક્ષા હતી, પરંતુ ફાઈનલમાં તે અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં. તેને ઈનિંગની શરૂઆતમાં જ વિસ્ફોટક ફોર્મ બતાવ્યું, માત્ર 9 બોલમાં 15 રન બનાવ્યા. પરંતુ ત્રીજી ઓવરમાં પાકિસ્તાની ઓલરાઉન્ડર સેમ અયુબે તેને આઉટ કર્યો.

ભારતીય ટીમે 20 ઓવરમાં 211 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. 212 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાન 20 ઓવરમાં 6 વિકેટે ફક્ત 192 રન જ બનાવી શક્યું. પરિણામે ભારતે 19 રનથી મેચ જીતી અને એશિયન ગેમ્સના મેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો.




