Surat : ગ્રામ્ય પોલીસનો હેલ્મેટ વિતરણ કાર્યક્રમ, 1300થી વધુ પોલીસ કર્મચારીઓને હેલ્મેટ અપાયા

આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લાના 1300થી વધુ પોલીસ કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા રોડ અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતીને લઈને વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે, ગુજરાત રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓના સંદર્ભમાં સુરત ગ્રામ્ય વિસ્તાર પ્રથમ ક્રમે હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર દેશની વાત કરવામાં આવે તો રોડ અકસ્માતની ઘટનાઓના પ્રમાણમાં સુરત ગ્રામ્ય વિસ્તાર 19મા ક્રમે હોવાનું જણાવાયું હતું.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર બનતા માર્ગ અકસ્માતોમાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માતોની વધતી ઘટનાઓને પગલે પોલીસ વિભાગ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ હેલ્મેટ વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓમાં પણ હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ વધારવાનો હતો. પોલીસ વિભાગ દ્વારા લોકોને પણ દ્વિચક્રી વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સુરત ગ્રામ્યના DYSP તેમજ બારડોલી RTOના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ માર્ગ સલામતી અને હેલ્મેટના મહત્વ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. પોલીસનો પ્રયાસ છે કે લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ટેવ વિકસે અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય.





